
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ, ડાંગ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ ભાજપના વરિષ્ઠ નેતા બાબુરાવભાઈ ઝેડ.ચોર્યાનું આજરોજ લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયુ છે. તેમના અવસાનથી ડાંગ જિલ્લા ભાજપા પરિવાર સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી વ્યાપી છે.બાબુરાવભાઈ ચોર્યાએ પોતાના જાહેરજીવન દરમિયાન અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી હતી. તેઓ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા હતા. તેમજ દક્ષિણ ગુજરાત એસટી નિગમના ડિરેક્ટર અને આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર તરીકે પણ નોંધપાત્ર સેવાઓ આપી હતી.તેમના નિધનથી ડાંગ જિલ્લાએ એક અનુભવી, સમર્પિત અને લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યો હોવાનું ભાજપના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું છે. તેમના અવસાનને ડાંગ જિલ્લા ભાજપા માટે મોટી ખોટ ગણાવવામાં આવી રહી છે.સ્વર્ગસ્થ બાબુરાવભાઈ ઝેડ. ચોર્યાની અંતિમવિધિ આવતીકાલે, તા. 04/08/2026ના રોજ સવારે 10:00 કલાકે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં તેમના વતન ટોકરદહાડ ગામે સ્થિત નિવાસસ્થાનેથી કરવામાં આવશે.પરમાત્મા સદગત આત્માને ચિરશાંતિ અર્પે તથા શોકસંતપ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના ડાંગવાસીઓએ કરી છે..





