આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ

આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ: સઘન અટકાયતી કામગીરી શરૂ
તાહિર મેમણ – આણંદ – 03/08/2026 – આણંદ -:આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક અને સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદી પાણીના ભરાવાને કારણે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે હેતુથી તમામ તાલુકા હેલ્થ ઓફિસરને તેમના કાર્યક્ષેત્રમાં સૂચનાઓ આપી અટકાયતી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખાસ કરીને મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો તેમજ ઝાડા-ઉલટી, કમળો અને ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોના નિયંત્રણ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા મુજબ વાહકજન્ય રોગોના અટકાયત માટે આરોગ્ય ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. આ તપાસ દરમિયાન ઘરની અંદર અને આસપાસ ભરાયેલા પાણીના પાત્રો જેવા કે કુલર, ફ્રીજની ટ્રે, ટાયર અને કુંડાઓની ચકાસણી કરી પોરાનાશક (એન્ટી-લાર્વલ) કામગીરી કરવામાં આવી છે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે નીચાણવાળા વિસ્તારોમાં ટેમિફોસના દ્રાવણનો છંટકાવ કરવાની સાથે થર્મલ ફોગિંગ અને સ્પ્રેઈંગની કામગીરી પણ વેગવંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે અઠવાડિયામાં એક દિવસ ‘ડ્રાય-ડે’ તરીકે ઉજવી પાણીના પાત્રો ખાલી કરી સુકવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.
પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે અત્યંત અનિવાર્ય છે. આ માટે ગ્રામીણ અને શહેરી જળ સ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે અને ઓથોટોલ્યુડીન (OT) ટેસ્ટ દ્વારા ક્લોરીનની માત્રાની સતત ચકાસણી કરવામાં આવી રહી છે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે-ઘરે જઈને ક્લોરીન ટેબ્લેટ્સ, ઓ.આર.એસ. (ORS) પેકેટ અને ઝીંકની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ફીલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના લોહીના નમૂના લઈ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ઝાડા-ઉલટીના લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મુજબ આણંદ જિલ્લામાં ૬૯૮ જેટલી ટીમો કાર્યરત છે. સમગ્ર જિલ્લામાં અંદાજે ૧,૪૨,૭૯૦ જેટલી વસ્તીને સર્વે હેઠળ આવરી લેવામાં આવી છે. અસરગ્રસ્ત ૧૨ ગામોમાં મળીને કુલ ૪૫ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં ૧૭૬૮ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આણંદ જિલ્લામાં ૩૫૧૦ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૨૯૭૨ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જે પાણીની શુદ્ધતા સૂચવે છે.
સર્વેક્ષણ દરમિયાન આરોગ્ય ટીમોએ કુલ ૧,૦૧,૫૩૦ જેટલા પાણી ભરેલા પાત્રોની તપાસ કરી હતી, જેમાંથી ૪૫૫ જેટલા પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળતા તેનો તત્કાલ નાશ કરવામાં આવ્યો હતો અને ડાયફ્લુરોબેનઝોરીન અને ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.




