GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

સુરત ખાતે તા.૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય સાંસ્કૃતિક મહારેલી યોજાશે:

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડી.જે. વિના પરંપરાગત વાજિંત્રો સાથે આદિવાસી સંસ્કૃતિનું અનોખું પ્રદર્શન:પર્યાવરણ સંરક્ષણનો પણ અપાશે સંદેશ :

સમસ્ત આદિવાસી સમાજ, સુરત શહેર દ્વારા આગામી તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક મહારેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે  આદિવાસી સમાજ ભવન, ભટાર (સુરત) ખાતે સમાજના વિવિધ સંગઠનો અને આગેવાનોની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમની રૂપરેખા અને વિવિધ સમિતિઓને સોંપાયેલી જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

      આ મહારેલીનો પ્રારંભ સવારે ૧૦:૦૦ વાગ્યે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવશે. ત્યારબાદ ઉધના દરવાજાથી રેલી આગળ વધશે. રેલીમાં આદિવાસી સમાજની પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સમાજોના પરંપરાગત વાજિંત્રો, લોકવેશભૂષા, બેનરો અને સાંસ્કૃતિક ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ વર્ષે રેલીની વિશેષતા એ રહેશે કે નવયુવાનોના સહયોગથી ડી.જે.નો સંપૂર્ણ ત્યાગ કરીને માત્ર પરંપરાગત વાજિંત્રોના તાલે સાંસ્કૃતિક ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવશે. રેલીમાં ૧૨ જેટલા જ્ઞાતિ મંડળોના હોદ્દેદારો, વિવિધ મહિલા સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ભાગ લેશે.

     સમાજના અધ્યક્ષ શ્રી કાંતિભાઈ  કુન્બીના નેતૃત્વ હેઠળ સુરત શહેરમાં વસતા આદિવાસી ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઉજવણીને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.

રેલી અઠવાગેટ માર્ગે પોલીસ કમિશનર કચેરી પાસેથી આગળ વધી ઉમરા પોલીસ સ્ટેશન નજીક આવેલા ઉમરા પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે. ત્યાં આદિવાસી સમાજનો વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન સમાજને હાલ જાતિના દાખલાઓ સંબંધિત ઊભી થયેલી સમસ્યાઓ અંગે જાગૃતિ લાવવા યુવાનો દ્વારા નાટક સ્વરૂપે પોડકાસ્ટ રજૂ કરવામાં આવશે.

       આ ઉપરાંત “પર્યાવરણ બચાવો – આદિવાસી બચાવો”ના સંદેશ સાથે જળ, જમીન અને જંગલના સંવર્ધન તથા સંરક્ષણ અંગે પણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવશે. પ્રકૃતિ સાથે આદિવાસી સમાજના અતૂટ સંબંધને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે.

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સમાજજનો માટે પીવાના પાણી તથા ભોજનની પણ સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સમિતિઓને કામગીરીની જવાબદારીઓ સોંપી આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

       સમસ્ત આદિવાસી સમાજે સુરત શહેરમાં વસતા તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને વિશ્વ આદિવાસી દિનની આ ભવ્ય ઉજવણીમાં પરિવાર સાથે જોડાઈ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રદર્શન કરવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.

Back to top button
error: Content is protected !!