
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મોડાસા શહેરમાં રખડતા ઢોરનો અડિંગો દિનપ્રતિદિન વધ્યો, નગરપાલિકાના નવીન પ્રમુખ બાદ પણ પરિસ્થિતિમાં વધારો – અકસ્માત થશે તો જવાબદાર કોણ…?
અરવલ્લીમાં મોડાસા શહેરમાં રખડતા ઢોરનો વધતો ત્રાસ, વાહનચાલકોમાં ચિંતા
મોડાસા : અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે. શહેરના પેલેટ ચોકડી, દ્વારકાપુરી સોસાયટી, ઉમિયા મંદિર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહનચાલકોને જીવના જોખમે વાહન ચલાવવાની ફરજ પડી રહી છે અને અકસ્માતની શક્યતાઓમાં વધારો થયો છે.શહેરમાં નવા નગરપાલિકા પ્રમુખની નિમણૂક બાદ લોકોમાં રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી આશા હતી, પરંતુ હાલની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. શહેરના વિવિધ માર્ગો પર દિવસભર ઢોરના ટોળા બેસી રહેતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ રહી છે.સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી પૂરતી અસરકારક રીતે હાથ ધરવામાં આવતી નથી. થોડા ઢોર પકડ્યા બાદ સાંજના સમયે ફરીથી રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળતા હોવાથી કામગીરી માત્ર ઔપચારિકતા પૂરતી જ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
શહેરજનોનું કહેવું છે કે રખડતા ઢોરના કારણે અકસ્માતનો સતત ભય રહે છે અને ખાસ કરીને વ્યસ્ત માર્ગો પર વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે જોખમ ઉભું થઈ રહ્યું છે. શહેરવાસીઓએ નગરપાલિકાને આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નિયમિત અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.




