
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
આહવા સ્થિત આદિજાતિ વિકાસ વિભાગમાં વર્ષ 2026-27ના અનાજ-કરીયાણાના કરોડો રૂપિયાના ટેન્ડરને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. વિભાગના મદદનીશ કમિશ્નર એસ.એમ. ગરાસીયા સામે ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ, મનસ્વી નિર્ણય અને પસંદગીની પેઢીને લાભ પહોંચાડવાના આક્ષેપો સાથે નિયામક, આદિજાતિ વિકાસ વિભાગ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરી નવી પ્રક્રિયા હાથ ધરવાની સાથે અધિકારીની આવકથી વધુ સંપત્તિ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવતા વિભાગમાં ભારે ચર્ચા જાગી છે.
નવસારીની સાઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ GeM પોર્ટલ પર બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં તમામ જરૂરી દસ્તાવેજો અને UDIN સાથેનું ટર્નઓવર સર્ટિફિકેટ સમયમર્યાદામાં રજૂ કરવા છતાં એજન્સીને ટેકનિકલ તબક્કે ખોટી રીતે ડિસ્ક્વોલિફાય કરવામાં આવી હતી. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે દસ્તાવેજોની તારીખને કારણ બનાવી ટેકનિકલ બોલી ફગાવવામાં આવી, જ્યારે તમામ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
ફરિયાદમાં વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ફાઇનાન્સિયલ બિડ માત્ર અગાઉથી પસંદ કરાયેલી બે પેઢીઓ માટે જ ખોલવામાં આવી હતી. બંને પેઢીઓ એક જ વ્યક્તિ સાથે સંકળાયેલી હોવાનો દાવો કરીને રિવર્સ ઓક્શન (R.A.)ની પારદર્શિતા અને સ્પર્ધાત્મકતા ખોરવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો સરકારી ખરીદી પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
ફરિયાદમાં સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની સ્વતંત્ર તપાસ, હાલનું ટેન્ડર રદ કરી નવો ટેન્ડર બહાર પાડવા, સંડોવાયેલા વેપારીઓને બ્લેકલિસ્ટ કરવા, સંબંધિત અધિકારી સામે વિભાગીય કાર્યવાહી કરવા તેમજ તેમની આવકથી વધુ સંપત્તિ અંગે ACB દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતની નકલ મુખ્યમંત્રી, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ, ગુજરાત તકેદારી આયોગ અને એન્ટી કરપ્શન બ્યુરોને પણ મોકલવામાં આવી હોવાનું જણાવાયું છે.
બોક્સ :
કરોડોની સંપત્તિ અંગે પણ ગંભીર આક્ષેપ
ફરિયાદમાં મદદનીશ કમિશ્નર એસ.એમ. ગરાસીયા સામે આવક કરતાં અનેકગણી સંપત્તિ એકત્રિત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. ખેરગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બંગલો બાંધ્યો હોવાનો આક્ષેપ કરીને તેમની મિલકતો અને આવકના સ્ત્રોતોની ACB દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
બોક્સ :
ફરિયાદમાં મુખ્ય માંગણીઓ
* સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ.
* હાલનું ટેન્ડર તાત્કાલિક અસરથી રદ કરવું.
* સરકારના હિતમાં નવો ટેન્ડર બહાર પાડવો.
* ગેરરીતિમાં સંડોવાયેલા વેપારીઓને બ્લેકલિસ્ટ કરવા.
* સંબંધિત અધિકારી સામે વિભાગીય કાર્યવાહી.
* આવકથી વધુ સંપત્તિ અંગે ACB દ્વારા તપાસ.


