દશામાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈમાઓથી સાવધાન રહેવા ભારત જન વિજ્ઞાન જાથાની અપીલ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યભરમાં તા. 13 ઓગસ્ટથી તા. 22 ઓગસ્ટ સુધી દશામાના વ્રતની ઉજવણી થવાની છે. આ અવસરે ભારત જન વિજ્ઞાન જાથાએ દશામાના વ્રત દરમિયાન ધાર્મિક આસ્થાના નામે થતી છેતરપિંડીથી લોકો સાવધાન રહે તેવી અપીલ કરી છે. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક શ્રદ્ધા, પૂજા-અર્ચના અને વ્રતની પરંપરાનો તેઓ સંપૂર્ણ આદર કરે છે, પરંતુ શ્રદ્ધાનો લાભ લઈને ચમત્કાર, પરચા અને યુક્તિ-પ્રયુક્તિ દ્વારા લોકોને ભ્રમિત કરનાર ઢોંગી ભૂઈમાઓ, ભુવા, લેભાગુઓ અને તકસાધુઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે. પુરાવા અને ફરિયાદના આધારે આવા તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે દેશના દરેક નાગરિકને પોતાની ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્રત અને ઉત્સવો ઉજવવાનો બંધારણીય અધિકાર છે. દશામાના વ્રતની ઉજવણી શ્રદ્ધા અને સાદગીથી પોતાના ઘરમાં થાય તે જ સૌના હિતમાં છે. વ્રતની સ્થાપના અને પૂર્ણાહુતિ દરમિયાન આરોગ્ય, સ્વચ્છતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જાળવવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી વિજ્ઞાન અને લોકજાગૃતિના કારણે કથિત ચમત્કારો, પરચા અને અલૌકિક દાવાઓ અંગે લોકોમાં જાગૃતિ વધી છે. જેના પરિણામે અગાઉ મોટા પ્રમાણમાં જોવા મળતી દશામાની ભૂઈમાઓના કથિત પરચા હવે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ અંધશ્રદ્ધાના નામે લોકોને ભ્રમિત કરવાની પ્રવૃત્તિઓ ચાલુ હોવાનું જાથાના ધ્યાનમાં આવ્યું છે.
જાથાએ જણાવ્યું છે કે દશામાના વ્રત દરમિયાન કેટલાક લોકો હાથ, પગ અથવા મોઢામાંથી કંકુ નીકળે છે, કંકુના પગલાં દેખાય છે, મૂર્તિ અથવા સાંઢણી દૂધ કે પાણી પીવે છે, જમીનમાંથી અચાનક મૂર્તિ પ્રગટ થાય છે અથવા ફળ-શાકભાજીમાં દેવ-દેવીઓના દર્શન થાય છે તેવા બનાવટી ચમત્કારો ઊભા કરીને ભીડ એકત્ર કરે છે અને લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લે છે. આવા કોઈપણ દાવાઓને વૈજ્ઞાનિક તપાસ વિના સાચા ન માનવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
જાથાના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર પણ દશામાના નામે ચમત્કારિક કથાઓ, વીડિયો, પુસ્તિકાઓ અને અન્ય પ્રચાર સામગ્રી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવે છે. આવી સામગ્રીથી પ્રભાવિત ન થવા અને કોઈપણ દાવાની સત્યતા ચકાસ્યા વગર વિશ્વાસ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જયંત પંડયાના જણાવ્યા મુજબ જાથા છેલ્લા 24 વર્ષથી દશામાના વ્રત દરમિયાન અંધશ્રદ્ધા સામે લોકજાગૃતિનું અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાન દરમિયાન વ્રત દરમિયાન ધૂણતી જોવા મળેલી અંદાજે 2,800 મહિલાઓમાંથી તપાસ બાદ 903 કથિત ભૂઈમાઓની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલતા આ અભિયાનને કારણે લોકોમાં જાગૃતિ વધી છે અને અંધશ્રદ્ધા પ્રત્યેનો અંધવિશ્વાસ ઘટ્યો હોવાનું તેમણે જણાવ્યું.
તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 32 વર્ષ દરમિયાન જાથાએ અનેક ધૂણતી મહિલાઓ અને કથિત ભૂઈમાઓ અંગે તપાસ કરી હતી, પરંતુ એકપણ કિસ્સામાં ચમત્કારિક દાવાઓ સાચા સાબિત થયા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તો કથિત ભૂઈમાઓના પરિવારજનો અને તેમના પતિઓ પણ જાથા સમક્ષ રજૂઆત કરીને હકીકત બહાર લાવવાની માંગ કરતા હોવાના બનાવો સામે આવ્યા છે.
જાથાએ દાવો કર્યો છે કે દશામાના વ્રત દરમિયાન કેટલાક પરિવારોમાં દૈનિક જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. બાળકોના શિક્ષણ પર અસર પડે છે, પરિવારની શાંતિ ખોરવાય છે અને ધાર્મિક ઉન્માદના કારણે આસપાસના લોકોને પણ ઢોલ-નગારા, ધૂપ-ધુમાડા, ઘોંઘાટ અને અન્ય પ્રવૃત્તિઓથી તકલીફ પડે છે. આવી સ્થિતિમાં સ્થાનિક લોકો જરૂર જણાય તો પોલીસ અને સંબંધિત તંત્રની મદદ લે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
પર્યાવરણના મુદ્દે પણ જાથાએ મહત્વપૂર્ણ અપીલ કરી છે. વ્રતની પૂર્ણાહુતિ બાદ દશામાની મૂર્તિઓનું પીવાના પાણીના સ્ત્રોતો, ડેમ, ચેકડેમ, નદી કે નાળામાં વિસર્જન ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મૂર્તિઓના વિસર્જનથી પાણી પ્રદૂષિત થવાની તેમજ પાણીજન્ય રોગો ફેલાવાની શક્યતા વધે છે. તેથી સ્થાનિક તંત્ર દ્વારા નિર્ધારિત સ્થળોએ જ મૂર્તિ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.
જાથાએ જણાવ્યું છે કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યવાહક સમિતિઓની રચના કરવામાં આવી છે, જે દશ દિવસ દરમિયાન ઢોંગી ભૂઈમાઓ, ભુવા અને છેતરપિંડી કરનારાઓ પર નજર રાખશે. યોગ્ય પુરાવા અને ફરિયાદના આધારે જ પોલીસમાં અરજી કરવામાં આવશે. જાથાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ ધાર્મિક વિધિ કે ઉજવણીમાં વિક્ષેપ કરતું નથી અને લોકોની ધાર્મિક લાગણીઓનો હંમેશા આદર રાખે છે. જો કોઈ વ્યક્તિ જાથાના નામે ફોન, મુલાકાત અથવા અન્ય રીતે ધમકી આપે કે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરે તો તેની ખરાઈ કર્યા બાદ જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, બોટાદ, ભાવનગર, ગિર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં જાથાની સ્થાનિક સમિતિઓ કાર્યરત રહેશે અને જરૂરી જણાય ત્યાં જ યોગ્ય તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જાથાના સભ્યો નાથાભાઈ પીપળીયા, દિનેશભાઈ હુંબલ, નિર્મળ મેત્રા, નિર્ભય જોશી, રાજુભાઈ યાદવ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, હર્ષાબેન પંડયા એડવોકેટ સહિત વિવિધ શાખાઓના કાર્યકરો રાજ્યભરમાં સંકલન કરીને અંધશ્રદ્ધા વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવશે.
દશામાના વ્રત દરમિયાન ધૂણીને ઢોંગ કરતી અથવા ભ્રામક પ્રચાર કરતી કથિત ભૂઈમાઓ અંગે માહિતી હોય તો લોકો ભારત જન વિજ્ઞાન જાથાના મોબાઇલ નંબર 98252 16689 પર સંપર્ક કરી શકે છે, તેમ અંતમાં જણાવાયું છે.




