હાલોલ:અભયમ મહિલા હેલ્પલાઈનની સમયસરની કામગીરી: કાઉન્સેલિંગથી ત્રણ બાળકો અને માતા-પિતાનો પરિવાર તૂટતો બચ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૬
હાલોલ નજીકના એક ગામમાં રહેતી મહિલાએ પતિ દ્વારા અવારનવાર થતા માનસિક ત્રાસ અને ઘરેલુ વિવાદથી કંટાળીને ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન પર મદદ માટે કૉલ કર્યો હતો. કૉલ મળતા જ અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.સ્થળ પર પહોંચેલી ટીમને મહિલાએ જણાવ્યું હતું કે, તેમના પતિ નશો કરવાની ટેવ ધરાવે છે અને અવારનવાર મારપીટ કરીને માનસિક ત્રાસ આપે છે. આ સતત થઈ રહેલા ત્રાસથી કંટાળીને તેઓ પિયર પણ જતા રહ્યા હતા, પરંતુ પોતાના ત્રણ નાના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને તેઓ પરત પતિ પાસે આવ્યા હતા.અભયમ ટીમે પતિ-પત્ની બંનેને સામસામે બેસાડીને સાંભળ્યા હતા.પતિએ જણાવ્યું કે, પત્ની તેને અપશબ્દો બોલે છે. ફળિયામાં આજુબાજુના લોકો સાંભળે તો શું વિચારશે તે ડરથી પત્નીને ચૂપ કરાવવા જતાં ગુસ્સામાં હાથ ઉપડી જાય છે.પત્નીએ સ્પષ્ટતા કરી કે પતિ નશો કરીને આખો દિવસ કામ વગર રખડે છે, જેથી કંટાળીને તેને બોલવું પડે છે.બંને પક્ષોની વાત સાંભળ્યા બાદ અભયમ ટીમે અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું.પતિને નશાની ટેવ છોડવા, પત્ની સાથે સન્માનજનક વર્તન કરવા અને હિંસા ન આચરવા સમજાવવામાં આવ્યા.પત્નીને પણ અપશબ્દોનો ઉપયોગ ટાળવા અને સંવાદથી સમસ્યાઓ ઉકેલવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.બંનેને બાળકોના ભવિષ્ય અને પારિવારિક જવાબદારીઓનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતુઅભયમ ટીમના સમયસરના માર્ગદર્શનથી બંને પક્ષોએ પોતાની ભૂલો સ્વીકારી વિવાદનો અંત લાવ્યો હતો. મહિલાએ પતિને સુધરવાની એક તક આપવાની તૈયારી દર્શાવી હતી અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું. પરિવાર તૂટતો બચી જતાં મહિલાએ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.








