આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા અંતર્ગત ‘પોષણ સંગમ’ કાર્યક્રમ યોજાયો*

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે કુપોષિત બાળકોના સ્વાસ્થ્યમાં સુધારા અંતર્ગત ‘પોષણ સંગમ’ કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ – 04/08/2026 – આણંદ જિલ્લામાં કુપોષિત બાળકોના પોષણ અને આરોગ્યમાં નોંધપાત્ર સુધારો લાવવાના ઉમદા હેતુ સાથે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘પોષણ સંગમ’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવા અને ક્ષેત્રિય સ્તરે આવતી સમસ્યાઓના નિવારણ માટે ગહન સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષિત બાળકોને આરોગ્યની સઘન સેવાઓ પૂરી પાડીને તેમના સ્વાસ્થ્યમાં જે સુધારો જોવા મળ્યો છે, તે ગતિશીલતા જાળવી રાખવાનો છે.
આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના વિભાગીય નાયબ નિયામકશ્રીએ પોષણ સંગમ કાર્યક્રમની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી અને ફિલ્ડ લેવલે આ યોજનાના અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો હતો. આરોગ્ય શાખાના અધિકારીઓ અને આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક ક્ષેત્રના તજજ્ઞોએ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના આરોગ્યમાં ગુણાત્મક સુધારો કેવી રીતે લાવી શકાય તે અંગે વૈજ્ઞાનિક અને પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ પોષણના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે સામુહિક પ્રયાસો દ્વારા જ કુપોષણની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરી શકાય છે.
આણંદના પ્રોગ્રામ ઓફિસર દ્વારા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ‘પોષણ સેતુ’ કાર્યક્રમની રૂપરેખા વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે જિલ્લામાં પોષણ અભિયાનને સફળ બનાવવા માટે આઈ.સી.ડી.એસ. ટીમ અને અન્ય સહયોગી વિભાગોની કામગીરીને બિરદાવી હતી.
આ વર્કશોપમાં આરોગ્ય શાખાના એ.ડી.એચ.ઓ., ડૉ. વી.એચ. દવે હોમિયોપેથીક મેડિકલ કોલેજના મેડિકલ ઓફિસર, આયુર્વેદિક વિભાગના મેડિકલ ઓફિસર, જિલ્લાના તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ, આઈ.સી.ડી.એસ. અને જિલ્લા પંચાયતનો સ્ટાફ તેમજ બ્લોક કો-ઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા.





