દાહોદ જિલ્લામાં નશાના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ દાહોદ એસ.ઓ. જી.પોલીસને એક મોટી સફળતા હાથ લાગી

તા.૦૪.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લામાં નશાના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. દાહોદ એસ.ઓ.જી. (Special Operations Group) પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં લાખો રૂપિયાનો નશીલો પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે.દાહોદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે શહેરના ગોધરા રોડ પર આવેલા હજારીયા ફળીયામાં નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તાબડતોબ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ભારે માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૩ કિલો અને ૫૫૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા આ નશીલા પદાર્થની કુલ કિંમત અંદાજે ૧ લાખ ૭૯ હજાર ૫૦૦ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા દિનેશભાઈ મંડોડીયા નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો પદાર્થ ગાંજો જ છે તેની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા માટે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે એફ.એસ.એલ. (FSL) અધિકારીઓને બોલાવ્યા હતા. FSL પરીક્ષણમાં આ કેમિકલ યુક્ત નશીલો પદાર્થ ગાંજો હોવાનું સાબિત થતાં પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદનું યુવાધન નશાની ગર્તામાં ન ધકેલાય અને નશાની લતથી બચે તે માટે પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને દાહોદમાં કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં આ રેકેટમાં અન્ય મોટા માથાઓના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે





