GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઓમ વિલા રિસોર્ટ હાઈપ્રોફાઈલ જુગારધામ કેસમાં રેન્જ IGના કડક અંકુશ, બે પોલીસકર્મીઓની પશ્ચિમ કચ્છ-ભુજ બદલી

 

TANKARA:ટંકારાના ઓમ વિલા રિસોર્ટ હાઈપ્રોફાઈલ જુગારધામ કેસમાં રેન્જ IGના કડક અંકુશ, બે પોલીસકર્મીઓની પશ્ચિમ કચ્છ-ભુજ બદલી

ટંકારા સ્થિત ‘ઓમ વિલા રિસોર્ટ’માં ઝડપાયેલા ચર્ચિત અને હાઈપ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા મોટી અને કડક શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવી છે. સરહદી બોર્ડર રેન્જના આઈજી (Range IG) ચિરાગ કોરડીયાએ સ્થાનિક પોલીસની બેદરકારી અને નબળા સુપરવિઝનને ધ્યાને રાખીને ટંકારા પોલીસ મથકના બે કર્મચારીઓની તાત્કાલિક અસરથી જિલ્લા બહાર બદલી કરી દીધી છે.

મળતી વિગતો અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ ઝાલાની પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે બદલી કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

ગત ૧૮ જુલાઈના રોજ સરહદી બોર્ડર રેન્જ આઈજીની ખાસ ટીમે બાતમીના આધારે ટંકારાના ઓમ વિલા રિસોર્ટ પર અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન રિસોર્ટમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવાનું સામે આવ્યું હતું, જ્યાંથી ૯ જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ, વાહનો અને મોબાઈલ સહિત કુલ રૂ. ૨૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સ્થાનિક પોલીસ મથકની હદમાં આટલા મોટા પાયે જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક સ્ટાફ અજાણ રહેતા કે યોગ્ય કાર્યવાહી ન કરતા, રેન્જ આઈજીએ કડક વલણ અપનાવ્યું છે. બે પોલીસ કર્મચારીઓની એકાએક જિલ્લા બહાર બદલી કરી દેવાતા મોરબી જિલ્લા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Back to top button
error: Content is protected !!