MORBI મોરબી સંસદમાં ભગવા વસ્ત્રો અને સનાતન ધર્મના અપમાન અંગે સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

MORBI મોરબી સંસદમાં ભગવા વસ્ત્રો અને સનાતન ધર્મના અપમાન અંગે સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
સંસદ પરિસરમાં સંતોના કથિત અપમાન અને સનાતન ધર્મના પ્રતીકોના અનાદરની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાના સખત વિરોધમાં આજે 5 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા સનાતન સંત સમાજ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા એકઠા થઈને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કલેક્ટરને સોંપાયેલા આવેદનપત્ર મુજબ, ગત 31 જુલાઈ 2026 ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક ષડયંત્રના ભાગરૂપે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આક્ષેપ કરાયો છે કે રાજકીય સ્વાર્થ ખાતર સંતોનો છદ્મવેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો પ્રયાસ થયો છે. એટલું જ નહીં, પ્રદર્શન દરમિયાન ભગવાનના પૂજનીય ચિત્રોને પગ પાસે રાખીને અનાદર કરાતા કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે.
મહંત દામજી ભગત: “ભારતમાં યુગોથી હિન્દુ ધર્મ પર ઘા કરવામાં આવ્યા છે. સંસદમાં સાધુઓનો વેશ પહેરીને સંતોની મશ્કરી કરવાનું કાર્ય સનાતન ધર્મ ક્યારેય સહન કરશે નહીં. આપણી એકતા જ આપણો પરમો ધર્મ છે, અને આવા કૃત્યો સામે તમામ સનાતનીઓએ એક થઈને અવાજ ઉઠાવવો પડશે.”
ભાણદેવજી મહારાજ: “પાર્લામેન્ટ ભવનમાં હિન્દુ ધર્મ અને સાધુ સમાજનું જે અપમાન થયું છે તે અત્યંત શરમજનક છે. સાધુના કપડાં પહેરીને કરાયેલો આ દેખાવ સાધુ સમાજ માટે અસહ્ય છે. ધાર્મિક પ્રતીકો અને હિન્દુ ધર્મ પર કોઈપણ પ્રકારનું આક્રમણ ન થવું જોઈએ અને તેનું રક્ષણ થવું અનિવાર્ય છે.”
તાત્કાલિક FIR: સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરવા બદલ સંકળાયેલા તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કઠોર કાર્યવાહી કરવામાં આવે.સંસદ સભ્યપદ રદ કરવું: મહામહિમ રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનારા ચારેય સાંસદોનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરે.આર્થિક ક્ષતિપૂર્તિ: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના ‘શ્રાવણ ઝૂલા મહોત્સવ’માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને પહોંચાડેલા આઘાત અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી વસૂલવામાં આવે.સંત સમાજ અને હિન્દુ સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ અને સનાતન સંત સમાજ ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે.











