GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી:ગણદેવી તાલુકા પત્રકાર સંઘની માનવતાવાદી પહેલ બની પ્રેરણાસ્ત્રોત: ૨૯૯૪ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા પત્રકાર સંઘના ‘શૈક્ષણિક સહાય મહાઅભિયાન’ હેઠળ ૧૧,૯૭૬ નોટબુકો, ૫,૮૮૮ પેન્સિલ સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

બે સપ્તાહ અગાઉ ગણદેવી તાલુકા અને ઉપરવાસમાં પડેલા અવિરત વરસાદ બાદ અંબિકા અને કાવેરી નદીઓમાં આવેલા વિનાશક પૂરે અનેક પરિવારોને મુશ્કેલીમાં ધકેલી દીધા હતા. ઘરો સાથે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ, પાઠ્યપુસ્તકો, નોટબુકો અને શૈક્ષણિક સામગ્રી પણ પૂરના પાણીમાં તણાઈ જતાં હજારો બાળકોના શિક્ષણ પર સંકટ ઊભું થયું હતું.

આ કરુણ પરિસ્થિતિને નજીકથી નિહાળનાર પત્રકાર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગણદેવી તાલુકા પત્રકાર સંઘે માનવતાની અનોખી પહેલ કરીને “શૈક્ષણિક સહાય મહાઅભિયાન” શરૂ કર્યું હતું. સમાજના વિવિધ વર્ગો, સેવાભાવી સંસ્થાઓ અને દાતાશ્રીઓના અભૂતપૂર્વ સહયોગથી આ અભિયાન ટૂંકા ગાળામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું.

આ મહાઅભિયાન અંતર્ગત બીલીમોરા સહિત પૂરગ્રસ્ત વિસ્તારની ૨૬ શાળાઓના કુલ ૨,૯૯૪ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને કુલ ૧૧,૯૭૬ નોટબુકો, ૫,૮૮૮ પેન્સિલ તેમજ અન્ય જરૂરી શૈક્ષણિક સામગ્રીઆપવામાં આવી હતી. કીટ મળતાં જ બાળકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ ફરી ઝળકી ઊઠ્યો હતો.

આ સેવા યજ્ઞમાં નવસારી જિલ્લા પોલીસ તંત્ર, નવસારી જિલ્લા ક્વોરી એસોસિએશન, બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, દાદુ માસ્ટરના ગણપતિ મંડળ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ, દાતાશ્રીઓ અને સમાજના આગેવાનોએ સક્રિય સહયોગ આપ્યો હતો. સૌના સંયુક્ત પ્રયાસોથી પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સંકલ્પ સાકાર બન્યો છે.

ગણદેવી તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ ભાવિન પટેલે અભિયાનને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ સંસ્થાઓ, દાતાશ્રીઓ અને નામી-અનામી સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે. પૂરની આપત્તિએ ઘણું બધું છીનવી લીધું હોવા છતાં સમાજના સહયોગથી બાળકોના હાથમાં ફરી પુસ્તકો અને તેમના ચહેરા પર સ્મિત પરત લાવવાનો અમારો પ્રયાસ સફળ રહ્યો છે.”

માનવતા, સંવેદના અને સામાજિક જવાબદારીનું જીવંત ઉદાહરણ પૂરું પાડનાર ગણદેવી તાલુકા પત્રકાર સંઘનું ‘શૈક્ષણિક સહાય મહાઅભિયાન’ પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓ માટે માત્ર શૈક્ષણિક સહાય નહીં, પરંતુ નવી આશા અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રેરણાદાયી પગલું બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!