કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ભવ્ય ઉજવણી: જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પ્રેરક ઉપસ્થિતિ

કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ભવ્ય ઉજવણી: જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન પ્રેરક ઉપસ્થિતિ
અમીન કોઠારી મહીસાગર
તારીખ: ૦૫ ઓગસ્ટ ૨૦૨૬
આજ રોજ તારીખ ૦૫/૦૮/૨૦૨૬ ના દિને મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહીસાગર તથા કિસાન માધ્યમિક વિદ્યાલય, લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે શાળાના પ્રાંગણમાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ” ની અત્યંત ઉત્સાહભેર અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાલિકા પંચાયતના સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ રચવાનો અને શાળાની વિદ્યાર્થિનીઓને કારકિર્દી અંગે સચોટ માર્ગદર્શન પૂરો પાડવાનો હતો.
બપોરે ૧૨:૦૦ કલાકે કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ મહિલા અને બાળ અધિકારી મનહરભાઈ રોઝ મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું સાલ અને પુષ્પગુચ્છથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા સામાજિક કાર્યકર શ્રીમતી સોનલબેન પંડ્યાએ ‘મહિલા નેતૃત્વ’ વિષય પર પોતાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે દીકરીઓને સમાજમાં આગળ આવવા, પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થવા અને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી હતી.
કાર્યક્રમનું એક અત્યંત પ્રેરણાદાયક પાસું એજ્યુકેશન કીટ વિતરણ હતું. મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કિસાન હાઈસ્કૂલની ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થિનીઓને ‘એજ્યુકેશન કીટ’ અર્પણ કરી વિશેષ સન્માનિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન મહીસાગર જિલ્લાના બાહોશ અને યુવા આદર્શ એવા જિલ્લા પોલીસ અધિક્ષક (DSP) માનનીય સફીન હસન પોતાના પ્રાસંગિક ઉદ્બોધનથી સૌમાં નવો જોશ અને ઊર્જા ભરી દીધા હતા. પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થિનીઓને શિસ્ત, કઠોર પરિશ્રમ અને નીડરતાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે એક ઉત્તમ નાગરિક બનવા અને કારકિર્દીના ઊંચા શિખરો સર કરવા માટેના અમૂલ્ય સૂચનો કર્યા હતા. તેમનું આ પ્રેરણાદાયી અને ઓજસ્વી વક્તવ્ય સાંભળીને સમગ્ર સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
અંતમાં, કિસાન માધ્યમિક વિદ્યાલયના આદરણીય આચાર્યશ્રી હિતેશભાઈ પટેલ કાર્યક્રમમાં સમય ફાળવીને ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો, અધિકારીગણ તથા સફળ આયોજન માટે મહેનત કરનાર શાળાના તમામ સ્ટાફ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થિનીઓએ ખૂબ જ સુંદર શિસ્ત જાળવી હતી.
રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે આ અત્યંત સફળ અને પ્રેરણાદાયી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.



