વિસાવદરમાં યોજાયેલા રોજગાર ભરતીમેળામાં ૫૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
જિલ્લા રોજગાર વિનિમય કચેરીના આયોજનથી યુવાનોને રોજગારીની નવી તક

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રી દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વિસાવદર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભરતીમેળા માટે વિસાવદર, ભેસાણ અને મેંદરડા તાલુકાના ૮૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૨૯ ઉમેદવારો ઉપસ્થિત રહી ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જોડાયા હતા. આ ભરતીમેળામાં અવધ ટ્રેક્ટર, વિસાવદર, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ લિ., વિસાવદર, એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તેમજ ભવયોગ એન્ટરપ્રાઇઝ, રાજકોટ એમ કુલ ચાર પ્રતિષ્ઠિત નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. નોકરીદાતાઓએ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, પગારધોરણ, કારકિર્દીની તકો તેમજ અન્ય સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને કૌશલ્યના આધારે કુલ 58 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત ઉમેદવારોને એમ્પ્લોયમેન્ટ કાર્ડ નોંધણી, નિવાસી તાલીમ યોજના, આગામી ભરતીમેળાઓ, પી.એમ. ઇન્ટર્નશિપ યોજના તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે માર્ગદર્શન આપી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શ્રી દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટીશ્રીએ યુવાનોને પ્રેરણાદાયી સંબોધન કરી આત્મવિશ્વાસ, કૌશલ્ય વિકાસ અને સતત પ્રયત્નો દ્વારા ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ભરતીમેળા રોજગારવાંચ્છુ યુવાનો અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ વચ્ચે અસરકારક સેતુ સાબિત થયો હતો અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





