
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) ડાંગ જિલ્લા દ્વારા સંસદ પરિસરમાં સાધુ-સંતોના ભગવા વેશનો ઉપયોગ કરીને કરવામાં આવેલા કથિત કૃત્યના વિરોધમાં ગુરુવાર, 6 ઓગસ્ટે સવારે 11:00 વાગ્યે આહવા ખાતે રેલી અને જિલ્લા કલેક્ટરને જ્ઞાપન પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વિહિપ ડાંગ જિલ્લા દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ કૃત્ય સનાતન સંસ્કૃતિ અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું હોવાનું સંગઠન માને છે. નિવેદનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના સમર્થકો પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
વિહિપના જણાવ્યા અનુસાર, અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં હૂંડી સમર્પણની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરીના મામલે ઉચ્ચસ્તરીય એસઆઈટી તપાસ ચાલી રહી છે અને આવા સમયે સંસદ પરિસરમાં થયેલી આ ઘટના તપાસને પ્રભાવિત કરવાનો તેમજ સાધુ-સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હોવાનું સંગઠનનું માનવું છે.
આ મુદ્દે સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર, ડાંગને આવેદનપત્ર આપવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત ગાંધી ઉદ્યાન, આહવાથી રેલી પ્રસ્થાન કરશે અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જ્ઞાપન સુપરત કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રવિ સૂર્યવંશીએ સંત સમાજ, હિન્દુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.




