
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાના શ્રીરામ ફાર્મમાં થયેલી ₹ 1.39 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપીની ધરપકડ – સીસીટીવી ફૂટેજ અને ફાસ્ટેગની ટેકનિકલ વિગતોના આરોપી સુધી પોલીસ પહોંચી
મોડાસા : મોડાસા શહેરના સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં ડી-માર્ટ મોલ સામે આવેલા શ્રીરામ ફાર્મમાં રાત્રિના સમયે થયેલી ₹ 1.39 લાખની ઘરફોડ ચોરીનો ભેદ મોડાસા ટાઉન પોલીસે ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફાસ્ટેગની ટેકનિકલ વિગતોના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, તા. 4 ઓગસ્ટ, 2026ના રોજ વહેલી સવારે અંદાજે 2:45 થી 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સો આઈશર વાહન લઈને શ્રીરામ ફાર્મમાં ઘૂસ્યા હતા. ચોરોએ બંધ ઓરડીમાંથી ચાંદીના છડા, ટ્રેક્ટરની પાંચ બેટરી, બે ગેસ સિલિન્ડર, ડ્રિલિંગ મશીનના ત્રણ હેમર બીટ સેટ તેમજ 3 HPની ઇલેક્ટ્રિક મોનોબ્લોક મોટર સહિત કુલ અંદાજે ₹ 1.39 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર. ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એસ. એસ. મલેક અને તેમની ટીમે ઘટનાસ્થળ તથા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચોરીમાં વપરાયેલ આઈશર વાહન (GJ-14-X-8853) માલપુર રોડ તરફ જતું હોવાનું સામે આવ્યું હતું.ત્યારબાદ પોલીસે માલપુર ટોલ પ્લાઝાના સીસીટીવી અને વાહનના ફાસ્ટેગની વિગતો મેળવી તપાસ આગળ ધપાવી હતી. તપાસમાં ફાસ્ટેગ ગોધરાના રીયાજભાઈ સલીમભાઈ ઉર્ફે સલમાન યુસુફભાઈ જર્દાના નામે રિચાર્જ થયેલું હોવાનું બહાર આવતા પોલીસ ટીમ ગોધરા પહોંચી હતી અને રીયાજભાઈની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેના પિતા સલીમભાઈ ઉર્ફે સલમાન યુસુફભાઈ અને કાકા યાસીનભાઈ યુસુફભાઈ અન્ય સાગરિતો સાથે અલગ-અલગ સ્થળોએ ચોરી કરતા હતા. ચોરીમાં વપરાતી આઈશર ગાડીના ફાસ્ટેગમાં તે પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન રિચાર્જ કરાવતો હતો અને બદલામાં તેને ચોરીના પૈસામાંથી હિસ્સો મળતો હતો. મોડાસાની આ ચોરી પહેલાં પણ તેણે ફાસ્ટેગમાં ₹ 1,000નું રિચાર્જ કરાવ્યાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ સંડોવાયેલા આરોપીઓ અને ચોરાયેલ મુદ્દામાલ અંગે તપાસ આગળ ધપાવી છે.




