
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલા કોટવાળીયા મકર ધ્વજ મંદિર સામેની વસાહતમાં ભારતીય રેડ ક્રોસ સોસાયટી અને ડાંગ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે પૂરથી પ્રભાવિત જરૂરિયાતમંદ પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશરે ૧૮ જેટલી રાહત કીટોનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં તાડપત્રી, પ્લાસ્ટિકની ડોલ તેમજ જરૂરી વાસણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને આ રાહત સામગ્રી મળતા તેમના ચહેરા પર રાહતની લાગણી જોવા મળી હતી.
રાહત વિતરણ કાર્યક્રમમાં વાંસદા તાલુકા ભાજપના મહામંત્રી / રેડ ક્રોસ સોસાયટીના ડો. લોચનભાઈ શાસ્ત્રી, રેડ ક્રોસ સોસાયટીના ઝાકિરભાઈ (આહવા) તેમજ ડાંગ મિત્ર મંડળના બ્રિજેશભાઈ ઠક્કર (વઘઈ) સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના હસ્તે લાભાર્થીઓને રાહત કીટો અર્પણ કરી સમાજસેવાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે કુદરતી આફતની ઘડીમાં સમાજના દરેક વર્ગે જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવું જોઈએ. રેડ ક્રોસ સોસાયટી અને ડાંગ મિત્ર મંડળ દ્વારા આગામી સમયમાં પણ માનવતાલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે.





