MORBI:’નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મોરબી ખાતે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરાઈ

MORBI:’નારી વંદન ઉત્સવ’ અંતર્ગત મોરબી ખાતે ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરાઈ
મોરબીમાં ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહના ભાગરૂપે કન્યા સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે વ્યાપક જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો બેટી પઢાઓ’ દિવસ અન્વયે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જે.બી. ત્રિવેદીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને શિક્ષણ મેળવી સ્વમાનભેર આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર રંજનબેન મકવાણા દ્વારા ‘ગુડ ટચ, બેડ ટચ’ અને પોક્સો (POCSO) એક્ટ અંગે મહત્વપૂર્ણ તબીબી તથા કાનૂની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો. જિગીષા પટેલ દ્વારા કિશોરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીન વિષય પર માર્ગદર્શન પૂરું પડાયું હતું. કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયૂરભાઈ સોલંકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એન.એ. મહેતા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










