MORBI:મોરબીમાં ખેડૂત આંદોલનની જ્વાળા તેજ: 8મી ઓગસ્ટે રવાપરમાં રાકેશ ટિકેતની હાજરીમાં યોજાશે વિશાળ ‘કિસાન મહાસભા’

MORBI:મોરબીમાં ખેડૂત આંદોલનની જ્વાળા તેજ: 8મી ઓગસ્ટે રવાપરમાં રાકેશ ટિકેતની હાજરીમાં યોજાશે વિશાળ ‘કિસાન મહાસભા’
મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી વીજ કંપની સામે પૂરતા વળતરની માંગ સાથે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહ્યું છે. કોઈપણ રાજકીય પક્ષના વડા કે આગેવાનોને સાથે રાખ્યા વગર ચાલી રહેલા આ બિન-રાજકીય આંદોલનને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આગામી તારીખ 8 ઓગસ્ટ, 2026ના રોજ મોરબીના રવાપર ગામે વિશાળ ‘કિસાન મહાસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.
પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ કિસાન મહાસભામાં દેશના જાણીતા ખેડૂત નેતા રાકેશ ટિકેત ખાસ હાજરી આપશે. તેમની સાથે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યદુવીરસિંહ તથા રાજસ્થાનના કિસાન આગેવાન હિંમતસિંહ ગુર્જર સહિતના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ મોરબી આવી પહોંચશે.
જેતપર છાવણીની મુલાકાત: મોરબી આગમન બાદ સૌપ્રથમ રાકેશ ટિકેત અને તેમની ટીમ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનની ‘ગુજરાત ખેડૂત છાવણી’ની મુલાકાત લેશે, જ્યાં તેઓ સ્થાનિક ખેડૂતોના પ્રશ્નો અને આંદોલનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવશે.
જાહેર સભા: ત્યારબાદ 8મી ઓગસ્ટે રાત્રે 8:00 વાગ્યે રવાપર ગામ સ્થિત કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેર સભા (કિસાન મહાસભા) યોજાશે.જેતપરથી શરૂ થયેલા આ વિરોધ પ્રદર્શન બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા આવેદનપત્રો આપીને પોતાનો અવાજ બુલંદ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે યોજાનારી આ મહાસભાને સફળ બનાવવા અને ખેડૂતોના હક અને અધિકારની લડાઈને વધુ વેગ આપવા માટે પાટીદાર યુવા સેવા સંઘ તરફથી સમગ્ર મોરબી અને આસપાસના વિસ્તારના ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા ખાસ આહવાન કરવામાં આવ્યું છે.









