AHAVADANGGUJARAT

આહવા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને સંત સમાજની વિરાટ મહારેલી; દોષિત સાંસદો સામે કાર્યવાહી માટે કલેક્ટરને આવેદન

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

સંસદમાં સંતો અને સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું; દોષિતો સામે કડક કાર્યવાહી અને સાંસદપદ રદ કરવાની ઉગ્ર માંગ

  ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ, ડાંગ સનાતન સંત સમાજ, ભગત સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજના સંયુક્ત ઉપક્રમે વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ, ભગવા વસ્ત્રો અને સંત સમાજના અપમાનનો આક્ષેપ કરતાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને હિન્દુ સમાજના આગેવાનો ભારે આક્રોશ સાથે રસ્તા પર ઉતર્યા હતા. મહારેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે તા. ૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ સંસદ પરિસરમાં કેટલાક સાંસદો અને તેમના સમર્થકો દ્વારા ભગવા વસ્ત્રો ધારણ કરી સંતોના વેશમાં રજૂઆત કરીને ભગવાનના ચિત્રનું અપમાન કરવામાં આવ્યું હોવાનું સંત સમાજનું માનવું છે. આ ઘટનાથી દેશભરના સનાતન ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી હોવાનું જણાવી જવાબદારો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવા, કડક કાનૂની કાર્યવાહી કરવા તેમજ તેમના સાંસદપદ રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ડાંગ સનાતન સંત સમાજના વરિષ્ઠ સંતો અને મહંતશ્રીઓએ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ, સંત પરંપરા અને ભગવા વસ્ત્રોનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જિલ્લા કલેક્ટર મારફતે મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તથા કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત મોકલવામાં આવી હોવાનું જણાવતાં દોષિતો સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

સંત સમાજે ચેતવણી આપી હતી કે જો યોગ્ય પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં દેશવ્યાપી આંદોલન, લોકજાગૃતિ અભિયાન તથા કાનૂની લડત વધુ તેજ બનાવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં મહારેલી યોજાઈ હતી.

મહારેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, સંતો-મહંતો, ભગત સમાજના આગેવાનો, વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સનાતન સંસ્કૃતિના સન્માન, સંત સમાજના ગૌરવ અને ધાર્મિક મૂલ્યોના રક્ષણ માટે એકજૂથ રહી સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!