
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ધનસુરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન લૂંટ અને ચોરીના ગુનાના બે આરોપીઓને ઝડપી પાડ્યા – એક્ટિવાની ડીકીમાંથી 6 એન્ડ્રોઇડ મોબાઈલ ઝડપાયા
અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસને વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. અમદાવાદ શહેરના વટવા, અમરાઈવાડી, ઇસનપુર અને નારોલ વિસ્તારમાંથી એક્ટિવા અને મોબાઇલ ફોનની લૂંટ તથા ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. ડીંડીરના સૂચનાથી ધનસુરા પોલીસ સર્વેલન્સ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ એક્ટિવાને અટકાવી તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન એક્ટિવા ચાલક શોહેબ અસરફખાન પઠાણ અને પાછળ બેઠેલા મોહમંદ સુહાન ઉર્ફે ડીકી સલીમભાઈ શેખ, બંને રહેવાસી વટવા, અમદાવાદની પૂછપરછ કરતાં તેમની પાસેથી એક્ટિવાની ડિક્કીમાંથી અલગ-અલગ કંપનીના 6 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીઓએ એક્ટિવા અને મોબાઇલ ફોન અમદાવાદના વટવા, અમરાઈવાડી, ઇસનપુર અને નારોલ વિસ્તારમાંથી ચોરી અને લૂંટના ગુનામાં મેળવ્યા હોવાનું કબૂલ્યું હતું.ધનસુરા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે ₹ 80,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 6 મોબાઇલ ફોન (કિંમત ₹ 30,000) અને નંબર વગરનું બ્લૂ રંગનું એક્ટિવા (કિંમત ₹ 50,000) સામેલ છે.આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનના નોંધાયેલા ગુનાની જાણ કરી આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





