નવસારી જિલ્લામા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા 30 દુકાનોમાં તપાસ,10 ખાદ્ય નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હલકી ગુણવત્તાના સ્નેક્સ, ફરસાણ, કોલ્ડડ્રિંક્સ અને અન્ય પેકેજ્ડ ખાદ્ય પદાર્થોના વેચાણ સામે નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જન જાગૃતિ ફેલાવાની સાથે નિયમ ભંગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરતાં ભેળસેળયુક્ત અને નિમ્ન કક્ષાના ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
તાજેતરમાં શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને આકર્ષવા માટે લોભામણી જાહેરાતો અને સસ્તા દરની લાલચ આપી વિવિધ કંપનીઓ દ્વારા બજારમાં વેચાતા નીચી ગુણવત્તાવાળા ફૂડ પ્રોડક્ટ્સ અંગે ચિંતા વ્યક્ત કરતાં સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ રજૂઆતના અનુસંધાને નવસારી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાના ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધર્યું હતું. આ દરમિયાન ફૂડ સેફ્ટી અધિકારીઓએ કુલ 30 ખાદ્ય પદાર્થોના વેચાણ એકમો (દુકાનો/પેઢીઓ) ની તપાસ કરી હતી.
તપાસ દરમિયાન વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 10 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેને સરકારી જાહેર વિશ્લેષક પાસે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા મુજબ પરીક્ષણ અહેવાલમાં જો કોઈ નમૂનો Food Safety and Standards Act, 2006 તથા સંબંધિત નિયમોના ભંગ કરતો હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે માત્ર તપાસ પૂરતી કામગીરી મર્યાદિત રાખી નથી, પરંતુ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં બાળકો તથા વાલીઓમાં ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધારવા માટે શાળાઓ અને હાટ-બજારોમાં પણ જાગૃતિ કાર્યક્રમો યોજ્યા હોવાનું જણાવ્યું છે. વિભાગે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે તપાસ, દેખરેખ, નમૂનાકરણ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
આ કામગીરીને બિરદાવતાં ડો. નિરવભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ શાળાઓની બહાર અત્યંત હલકી ગુણવત્તાના ખાદ્ય પડીકા, સ્નેક્સ અને કોલ્ડડ્રિંક્સનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે અનેક ડોકટરો પાસે હવે 16થી 25 વર્ષની વયના યુવાનોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય જીવનશૈલી સંબંધિત રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જો સમયસર નિયંત્રણાત્મક પગલાં નહીં લેવાય તો આજનું યુવાધન ગંભીર આરોગ્ય સમસ્યાઓનો ભોગ બની શકે છે.
ડો. પટેલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવા ખાદ્ય પદાર્થો સામે સતત અને વ્યાપક ઝુંબેશ ચલાવી બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા અનુરોધ કર્યો છે.




