
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં ઉજાશ શોરૂમના પાર્કિંગમાંથી નવી બાઈકની ચોરી, CCTV માં કેદ થયો ચોર
મોડાસા : શહેરના યુજીવીસીએલ કચેરી સામે આવેલા ઉજાસ સાડી શોરૂમના પાર્કિંગમાંથી અજાણ્યા શખ્સે નવી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, બાજકોટ છાપરા, મોડાસાના રહેવાસી અને ઉજાસ સાડી શોરૂમમાં નોકરી કરતા પ્રકાશકુમાર પ્રતાપજી રાઠોડ 31 જુલાઈ 2026ના રોજ સવારે આશરે 9:30 વાગ્યે પોતાની હીરો સ્પ્લેન્ડર પ્લસ (નંબર GJ-31-AF-0370) બાઈક શોરૂમના પાર્કિંગમાં લોક મારી પાર્ક કરી નોકરી પર હાજર રહ્યા હતા. બાઈકની ચાવી તેમણે પેટ્રોલ ટાંકી ઉપરના કવરમાં રાખી હતી.આશરે 11:30 વાગ્યે જમવા ઘરે જવા માટે બહાર નીકળતાં બાઈક પાર્ક કરેલી જગ્યાએ જોવા મળી નહોતી. આસપાસ શોધખોળ કર્યા બાદ પણ બાઈક ન મળતાં શોરૂમના CCTV કેમેરા તપાસવામાં આવ્યા હતા. જેમાં એક અજાણ્યો વ્યક્તિ બાઈક લઈને જતો સ્પષ્ટ દેખાયો હતો.શરૂઆતમાં કોઈ વ્યક્તિ ભૂલથી બાઈક લઈ ગયો હશે અને પરત આપશે તેવી આશાએ ફરિયાદીએ થોડા દિવસ સુધી રાહ જોઈ અને શોધખોળ કરી હતી. જોકે બાઈક ન મળતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ચોરી થયેલી બાઈકની કિંમત અંદાજે ₹ 50 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મોડાસા પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.




