રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૩, મડાણા ખાતે ૬૬મા રાઈઝિંગ ડેની ભવ્ય ઉજવણી કરાઈ

7 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રક્તદાન શિબિરથી રાઈઝિંગ ડે બન્યો યાદગાર
એકતા, શિસ્ત અને દેશભક્તિના રંગે રંગાયો એસઆરપી જૂથ-૩નો ૬૬મો સ્થાપના દિવસ
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૩, મડાણા ખાતે ૬૬મા રાઈઝિંગ ડેની ઉજવણી નિમિત્તે સેનાપતિશ્રી રમેશભાઈ એલ. ડાંખરાના માર્ગદર્શન હેઠળ તા. ૦૧ ઓગસ્ટથી તા. ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન વિવિધ રમતગમત સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, તાલીમાર્થીઓ, પોલીસ પરિવારના સભ્યો તથા બાળકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની સમગ્ર ઉજવણીને યાદગાર બનાવી હતી.દર વર્ષે પોતાનો સ્થાપના દિવસ ઉજવતા એસઆરપી જૂથ-૩ દ્વારા આ વર્ષે ૬૬મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભ પ્રારંભ સેનાપતિશ્રી આર. એલ. ડાંખરા તથા અન્ય પોલીસ અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગ્રૂપ વેલ્ફેર સંચાલિત બાળમંદિરના બાળકો, પોલીસ જવાનો, તાલીમાર્થીઓ તેમજ પોલીસ પરિવારના યુવા સભ્યો દ્વારા હાસ્ય નાટક, સમૂહ નૃત્ય, માનવ પિરામિડ, એકપાત્ર અભિનય સહિતના દેશભક્તિ અને મનોરંજનથી ભરપૂર વિવિધ કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ કલાકારોના ઉત્સાહ અને પ્રતિભાને વધાવી લઈ સમગ્ર વાતાવરણને આનંદ અને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.રાઈઝિંગ ડે-૨૦૨૬ અંતર્ગત પાંચ દિવસ દરમિયાન રમતગમત સ્પર્ધાઓ, ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પરેડ ડ્રિલ સ્પર્ધા, બેસ્ટ પોલીસ ક્વાર્ટર સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને સેનાપતિશ્રી આર. એલ. ડાંખરાના હસ્તે ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પર્ધાઓમાં ભાગ લેનાર પોલીસ લાઈનના તમામ બાળકોને પ્રોત્સાહનરૂપે આશ્વાસન ગિફ્ટ આપી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી હતી.
પાંચ દિવસીય આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પરિવારના બાળકો, સભ્યો, કર્મચારીઓ, તાલીમાર્થીઓ અને અધિકારીઓએ એકતા, શિસ્ત અને રમતગમતની ભાવનાનો સુંદર પરિચય આપ્યો હતો. કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહી સામાજિક જવાબદારી, સાંસ્કૃતિક એકતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો ઉત્તમ અવસર સાબિત થયો હતો.અંતમાં સેનાપતિશ્રી રમેશભાઈ એલ. ડાંખરાએ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અધિકારીઓ, કર્મચારીઓ, તાલીમાર્થીઓ, પોલીસ પરિવારના સભ્યો તથા આયોજન સમિતિને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ આવી જ એકતા, સમર્પણ અને ઉત્સાહ સાથે કામગીરી કરવા સૌને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમનો સમાપન સામૂહિક ગરબાના ઉમંગભર્યા આયોજન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાઈઝિંગ ડેની ઉજવણીને યાદગાર બનાવી હતી.









