કોઠંબા પોલીસ સ્ટેશનમાં આઈજી વિધિ ચૌધરીની અચાનક મુલાકાત, અરજદારોની રજૂઆતો સાંભળી ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ

કોઠંબા પોલીસ સ્ટેશનમાં આઈજી વિધિ ચૌધરીની અચાનક મુલાકાત, અરજદારોની રજૂઆતો સાંભળી ત્વરિત નિકાલના આપ્યા નિર્દેશ

અમીન કોઠારી મહીસાગર
પંચમહાલ રેન્જના આઈજી વિધિ ચૌધરીએ આજરોજ કોઠંબા પોલીસ સ્ટેશનની અચાનક મુલાકાત (સરપ્રાઈઝ ચેકિંગ) લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરી તેમજ વિવિધ પ્રશ્નો લઈને આવેલા આશરે ૧૫ જેટલા અરજદારો સાથે રૂબરૂ ચર્ચા કરી તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી.
અરજદારોએ જમીન સંબંધિત વિવાદો, બોલાચાલી, વ્યાજખોરી, કાયદો-વ્યવસ્થા તેમજ અન્ય નાગરિક પ્રશ્નોને લઈને પોતાની રજૂઆત કરી હતી. આઈજી વિધિ ચૌધરીએ દરેક અરજીની ગંભીરતાથી નોંધ લઈ સંબંધિત પોલીસ અધિકારીઓને કાયદેસરની અને સમયબદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
મુલાકાત દરમિયાન ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન્સ)ની સુરક્ષા અને તેમની સામાજિક તેમજ આર્થિક સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગની શી ટીમ જરૂરિયાત મુજબ વરિષ્ઠ નાગરિકોના ઘરે જઈ તેમની મુલાકાત લેશે, તેમની સમસ્યાઓ જાણી યોગ્ય માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડશે.
આઈજીએ નાગરિકોને પોલીસ પ્રત્યે વિશ્વાસ રાખી કોઈપણ પ્રકારની તાત્કાલિક મદદ માટે ૧૧૨ ઇમરજન્સી સેવા પર સંપર્ક કરવા તેમજ મહિલાઓને લગતી સમસ્યાઓ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે નાગરિકોને કાયદો પોતાના હાથમાં ન લેવા અને કોઈપણ વિવાદ અંગે પોલીસનો સંપર્ક કરી કાયદેસર ઉકેલ મેળવવા અનુરોધ કર્યો હતો.
આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડા એસપી સફીન હસન, ડીવાયએસપી કમલેશ વસાવા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ, જનસંપર્ક અને અરજદારોના પ્રશ્નોના નિકાલ અંગે પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ મુલાકાતથી અરજદારોમાં વિશ્વાસની લાગણી જોવા મળી હતી અને પોલીસ વિભાગ દ્વારા જનતાના પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિકાલ માટેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




