
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર: શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ હનીટ્રેપ અને છેતરપિંડીના ગુનામાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.)–2023ની કલમ 107 હેઠળ શિનોર નામદાર કોર્ટે આરોપી દ્વારા ગુનાની ગેરકાયદેસર આવકમાંથી વસાવવામાં આવેલી સ્થાવર મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, વડોદરા જિલ્લામાં આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ગત 6 ફેબ્રુઆરી 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અને ચિટિંગનો ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ મુજબ ફરિયાદી હરેશભાઈ પટેલ પાસેથી આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી અલગ-અલગ પ્રકારની ધમકી અને ભય બતાવી વિવિધ સમય અને સ્થળે કુલ રૂ.75,75,550 પડાવી લીધા હતા.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિનોર પોલીસ સ્ટેશનના PI આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા.
વધુ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી આશિક હુસૈન ઉર્ફે તલાટી સિકંદર ખાન પઠાણના ભાગે આવેલા રૂ.25 લાખમાંથી રૂ.6.90 લાખ તેના પુત્ર અસફાક હુસૈનના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. તેમજ આરોપીએ પોતાના તથા પરિવારજનોના નામે મિલકતો ખરીદી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ મિલકતો હનીટ્રેપ જેવા ગંભીર ગુનામાંથી પ્રાપ્ત થયેલી ગેરકાયદેસર આવકમાંથી ખરીદવામાં આવી હોવાના આધારે વડોદરા ગ્રામ્ય પોલીસે મિલકત જપ્ત કરવા માટે શિનોર નામદાર કોર્ટમાં દરખાસ્ત રજૂ કરી હતી.
કોર્ટે પોલીસની દરખાસ્ત માન્ય રાખી ગેરકાયદેસર આવકમાંથી વસાવવામાં આવેલી મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ જિલ્લામાં આવી કાર્યવાહી પ્રથમ વખત થઈ છે, જેને ગુનાખોરી સામે કડક કાનૂની વલણ તરીકે જોવામાં આવી રહી છે.




