ભીલડીમાં બનાસ ડેરીનો મેગા પ્રોજેક્ટ: ૨૩૫ વીઘામાં ઉભું થયું દેશનું અદ્યતન બોવાઇન રિસર્ચ સેન્ટર

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના પશુપાલન અને દુગ્ધ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પહેલરૂપે બનાસ ડેરી દ્વારા ભીલડી ખાતે આશરે ૨૩૫ વીઘા જમીનમાં ભારત બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે ‘સેન્ટર ઑફ એક્સલન્સ બનાસ બોવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (CoE-BBBRC) તરીકે વિકસાવવામાં આવેલું આ કેન્દ્ર વૈજ્ઞાનિક પશુપાલન, આનુવંશિક સુધારણા અને ઉત્તમ નસ્લના પશુઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ
બનાસ ડેરી અને ચેરમેન શંકરભાઈ ચૌધરીની આ આગવી પહેલનો મુખ્ય ઉદ્દેશ ભારતના દુગ્ધ ક્ષેત્રને વૈજ્ઞાનિક નવીનતા, ઉત્તમ આનુવંશિક ગુણવત્તા અને દીર્ઘકાલીન વિકાસલક્ષી પશુપાલન સાથે વધુ સશક્ત બનાવવાનો છે વૈશ્વિક ધોરણોની સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રમાં ભારતની પ્રતિષ્ઠિત દુગ્ધ જાતિની ગાયો અને ભેંસોનું રાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ જનેટિક સુધારણા અને વૈજ્ઞાનિક પ્રજનન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમજ આ સેન્ટરની સૌથી મહત્વપૂર્ણ વિશેષતા ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા પશુઓના જર્મપ્લાઝમનું ઉત્પાદન છે અદ્યતન પ્રજનન તકનીકોના ઉપયોગથી શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ભ્રૂણ, માદા તથા નર પશુઓનું ઉત્પાદન કરવામાં આવશે આ પ્રક્રિયાથી પશુઓની આનુવંશિક ગુણવત્તામાં ઝડપી સુધારો કરી દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમજ
આનુવંશિક રીતે શ્રેષ્ઠ પશુઓનું ઉત્પાદન થતાં ભવિષ્યમાં ખેડૂતો અને પશુપાલકોને વધુ દૂધ આપતી અને ગુણવત્તાયુક્ત નસ્લના પશુઓ ઉપલબ્ધ થઈ શકે છે પરિણામે પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બને અને ગ્રામ્ય અર્થતંત્રને પણ મજબૂતી મળે તેવી અપેક્ષા છે તેમજ ભારતની પ્રતિષ્ઠિત સ્વદેશી ગાય અને ભેંસની નસ્લોના સંરક્ષણને પણ આ કેન્દ્રમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે દેશી નસ્લોની આનુવંશિક વિશેષતાઓ જળવાઈ રહે અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તેમનો વિકાસ થાય તે દિશામાં કેન્દ્ર મહત્વપૂર્ણ કામગીરી કરશે તેમજ દેશમાં પશુપાલન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતા દુધાળા પશુઓ તૈયાર કરવાનું આ કેન્દ્રનું મહત્વનું લક્ષ્ય છે તેમજ અદ્યતન પ્રજનન તકનીકો અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ભારતને પશુ આનુવંશિકતા અને ઉચ્ચ ગુણવત્તાવાળા પશુ ઉત્પાદન ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવાનો પણ આ પ્રોજેક્ટનો હેતુ છે. પોષણ સુરક્ષા, દૂધ ઉત્પાદન વધારવા અને દેશના દુગ્ધ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે….ફોટો ભીખાભાઈ નાઈ
(1) બોકસ : પશુપાલકોની આવક વધારવા પર ભાર
—————————–પશુપાલન ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર ઓછા દૂધ આપતા પશુઓના કારણે થતી ઓછી આવક છે. આવા સંજોગોમાં ઉત્તમ આનુવંશિક ગુણવત્તાવાળા પશુઓ અને આધુનિક પ્રજનન તકનીકો ઉપલબ્ધ થવાથી દૂધ ઉત્પાદનમાં વધારો કરવાની તક ઊભી થશે તેમજ દૂધ ઉત્પાદન વધવાથી પશુપાલકોની આવકમાં વધારો થાય, પશુપાલન વધુ નફાકારક બને અને ગ્રામ્ય પરિવારોની આર્થિક સ્થિતિ મજબૂત બને તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ….
(2) બોકસ :- ભારતીય નસ્લની ગાય-ભેંસોના સંવર્ધનથી પશુપાલન ક્ષેત્રને મળશે નવી દિશા
——————————
ભારતમાં પશુપાલન ક્ષેત્રે સ્થાનિક અને પરંપરાગત પશુ નસ્લોનું વિશેષ મહત્વ છે. કાંકરેજ, ગીર, સાહીવાલ, રાઠી, રેડ સિંધિ, ઓન્ગોલ, પુન્ગનુર અને થરપારકર જેવી ભારતીય ગાયની નસ્લો તેમજ મહેસાણી, બન્ની, મુરાહ અને જાફરાબાદી જેવી ભેંસની નસ્લો પોતાની વિશિષ્ટ ક્ષમતા માટે જાણીતી છે જેમાં ખાસ કરીને કાંકરેજ નસ્લ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા વિસ્તારની મહત્વની દેશી નસ્લ ગણાય છે. સ્થાનિક પરિસ્થિતિ અને હવામાનને અનુકૂળ આ નસ્લનું સંવર્ધન પશુપાલકો માટે આર્થિક રીતે પણ લાભદાયી બની શકે છે તેમજ દેશી નસ્લોના સંવર્ધનથી પશુઓની ગુણવત્તા જાળવવા, પશુપાલકોની આવક વધારવા અને પરંપરાગત પશુપાલનને પ્રોત્સાહન આપવા મદદ મળી શકે છે. તેથી ઉચ્ચ ગુણવત્તાની ભારતીય નસ્લોના જતન અને સંવર્ધન માટે પશુપાલકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે…..
(3) બોકસ :- ૧૦ હજારથી વધુ ગર્ભ તૈયાર કરવાનો લક્ષ્યાંક
——————————
ભીલડી ખાતે કૃત્રિમ ગર્ભાધાન માટે વાર્ષિક ૧૦,૦૦૦થી વધુ ગર્ભ તૈયાર કરાશે. ઓછું દૂધ આપતા ખેડૂતોના પશુઓમાં ગુણવત્તાયુક્ત ગર્ભ મૂકવાથી પશુઓની ઓલાદમાં સુધારો થશે અને ભવિષ્યમાં વધુ દૂધ ઉત્પાદન માટે નવી આશા ઉભી થશે. આ પહેલથી પશુપાલકોની આવકમાં વધારો થશે….
(4) બોકસ :-જૈવિક અને સેન્દ્રિય ખાતરની પ્રોડક્ટ બનશે, ખેડૂતોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવાશે
—————————— જૈવિક અને સેન્દ્રિય ખાતરની વિવિધ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવશે સાથે જ ખેડૂતોને રાસાયણિક ખાતરના વિકલ્પો, જમીનની ફળદ્રુપતા જાળવણી અને પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપી ટકાઉ અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે…..





