
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છના અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડતો અદાણી ફાઉન્ડેશનનો માનવીય અભિગમ
૦૦૦
૧૧ ગામોમાં આયોજિત સ્પેશિયાલિટી આરોગ્ય કેમ્પમાં ૧૩૫૦થી વધુ દર્દીઓને અપાઈ નિષ્ણાત દ્વારા સારવાર
* સંયુક્ત પહેલ: અદાણી હોસ્પિટલ (મુન્દ્રા) અને જી.કે. જનરલ હોસ્પિટલ (ભુજ) ના સહયોગથી કચ્છના અંતરિયાળ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી આરોગ્ય નિદાન તથા સારવાર કેમ્પોનું સફળ આયોજન.l
* નિષ્ણાત તબીબોની સેવા: આંખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રીરોગ અને જનરલ ફિઝિશિયન જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગામડાઓમાં જઈને તપાસ, નિશુલ્ક સારવાર અને દવાઓનું વિતરણ.
* મોટો લાભાર્થી વર્ગ: એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન ૧૧ અંતરિયાળ ગામોમાં યોજાયેલા કેમ્પો દ્વારા ૧૩૫૦થી વધુ ગ્રામજનોએ આ નિશુલ્ક સેવાઓનો લાભ લીધો.
* આરોગ્ય માળખાને મજબૂતી: માત્ર કેમ્પ પૂરતી મર્યાદા ન રાખતા મુન્દ્રા, લખપત, ખાવડા અને અબડાસાના Health Sub Center, PHC તથા CHC ને આધુનિક સાધન સહાય અને નિષ્ણાત તબીબી સેવાઓ વડે સક્ષમ બનાવવામાં આવ્યા.
મુંદરા, તા. ૯ ઓગસ્ટ ૨૦૨૬
કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને પથરાયેલા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિષયક જાગૃતિ અને સુવિધાઓ પહોંચાડવી એ આજે પણ એક મોટો પડકાર છે. આવા સમયે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ગ્રામીણ આરોગ્ય પહેલો કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો માટે આશાનું કિરણ સાબિત થઈ રહી છે. અદાણી હોસ્પિટલ, મુન્દ્રા અને જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી નિદાન તથા સારવાર કેમ્પોનું આયોજન કરીને ગામડાંના દ્વાર સુધી ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પહોંચાડાઈ રહી છે.
એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન મુન્દ્રા, અંજાર, દયાપર અને ખાવડા વિસ્તારના કુલ ૧૧ અંતરિયાળ ગામોમાં આરોગ્ય કેમ્પો યોજાયા હતા. જેમાં મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા, લુણી, રામણીયા, ગેલડા, વાઘુરા; અંજાર તાલુકાના વીરા, ભલોટ; દયાપર સાઈટ ખાતે દેશલપુર-ગુતલી, ઉગેડી અને ખાવડા સાઈટ ખાતેના નાના તથા મોટા બાંધા ગામનો સમાવેશ થાય છે. આ કેમ્પોમાં આંખ, બાળરોગ, દાંત, હાડકાં, સ્ત્રીરોગ અને જનરલ ફિઝિશિયન જેવા ક્ષેત્રોના નિષ્ણાત તબીબોએ ૧૩૫૦થી વધુ ગ્રામજનોની સ્થળ પર જ તપાસ કરી નિશુલ્ક દવાઓ આપી હતી તેમજ જરૂરી કિસ્સાઓમાં વધુ સારવાર માટે હોસ્પિટલમાં રીફર કર્યા હતા.
આ માનવીય અભિયાન અંગે અદાણી પોર્ટ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “અદાણી ફાઉન્ડેશનની આ પહેલો માત્ર સારવાર આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ, વિશ્વાસ અને જીવનની ગુણવત્તા સુધારવાનો અમારો પ્રયાસ છે. અમારો મુખ્ય ઉદ્દેશ કચ્છના દૂરદરાજ વિસ્તારો સુધી પહોંચીને એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે.”
આ આરોગ્ય ઝુંબેશમાં જિલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ, સ્થાનિક ગ્રામ પંચાયતો, સરપંચશ્રીઓ તથા સ્થાનિક આગેવાનોનો સક્રિય સહયોગ સાંપડ્યો હતો. ઉપરાંત, અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ આરોગ્ય યોજનાઓ સાથે જોડવાનું કાર્ય પણ સક્રિય રીતે કરવામાં આવી રહ્યું છે. માત્ર કેમ્પ પૂરતું સીમિત ન રહેતાં ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા, લખપત, ખાવડા અને અબડાસા વિસ્તારના Health Sub Center, PHC તથા CHC ને આરોગ્ય સાધનોની સહાય અને નિષ્ણાત ડોક્ટરોની સેવાઓ પૂરી પાડીને સ્થાનિક સરકારી આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




