નવસારી જિલ્લામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો આપવા માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) અને નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલુકાવાર કેમ્પનું આયોજન
***
કેમ્પમાં માત્ર રજિસ્ટ્રેશન અને જરૂરિયાતની તપાસ કરવામાં આવશે
***
દિવ્યાંગ લાભાર્થીઓના મંજૂર થયેલ સહાયક ઉપકરણોના વિતરણ માટે અલગથી કેમ્પનું આયોજન કરાશે
***
નવસારી: તા. ૯ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (ALIMCO) તથા *નવસારી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને નિઃશુલ્ક સહાયક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે એસેસમેન્ટ કેમ્પનું* આયોજન કરવામાં આવ્યું છે.
*આ કેમ્પનો મુખ્ય હેતુ પાત્ર લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન કરી તેમની જરૂરિયાત મુજબના સહાયક ઉપકરણો માટેની જરૂરી પ્રક્રિયા હાથ ધરવાનો છે.* ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે વ્હીલચેર, ટ્રાયસિકલ, બગલઘોડી, શ્રવણયંત્ર, કૃત્રિમ અંગ, કેલિપર અને સ્માર્ટ કેન સહિતના વિવિધ સહાયક ઉપકરણો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ પાત્ર વરિષ્ઠ નાગરિકો માટે વોકર, કોમોડ ચેર, કિટ્સ, નેક સપોર્ટ સહિતના વિવિધ સહાયક ઉપકરણો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
*નવસારી જિલ્લામાં આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન ૧૩ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન તાલુકાવાર કરવામાં આવ્યું છે.* ગણદેવી તાલુકામાં તા. ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ અટલજી કોમ્યુનિટી હોલ, નગરપાલિકા કચેરી, ગણદેવી ખાતે કેમ્પ યોજાશે. વાંસદા તાલુકામાં તા. ૧૭ ઓગસ્ટના રોજ કુમાર શાળા, વાંસદા ખાતે તથા તા. ૧૮ ઓગસ્ટના રોજ વાંસદા ગ્રામ પંચાયત ખાતે કેમ્પ યોજાશે. ખેરગામ તાલુકામાં તા. ૧૯ ઓગસ્ટના રોજ પી.એમ. શ્રી કુમાર શાળા, ખેરગામ ખાતે કેમ્પ યોજાશે. ચીખલી તાલુકામાં તા. ૨૦ અને ૨૧ ઓગસ્ટના રોજ દિનકર ભવન હોલ, મજીગામ, ચીખલી ખાતે કેમ્પ યોજાશે. જલાલપોર તાલુકામાં તા. ૨૨ ઓગસ્ટના રોજ મહુવર કોળી પટેલ સમાજ વાડી ખાતે તથા તા. ૨૩ ઓગસ્ટના રોજ મંદિર ગ્રામ પંચાયત હોલ, જલાલપોર ખાતે કેમ્પ યોજાશે. નવસારી ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૪ ઓગસ્ટના રોજ દામોધેશ્વર કોમ્યુનિટી હોલ, પિનસાડ ખાતે તથા તા. ૨૫ ઓગસ્ટના રોજ કોળી પટેલ સમાજની વાડી, ખડસુપા બોર્ડિંગ, અષ્ટગામ, નવસારી ખાતે કેમ્પ યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં તા. ૨૬ અને ૨૭ ઓગસ્ટના રોજ નવસારી ટાઉન હોલ, દેવીનાપાર્ક ખાતે કેમ્પ યોજાશે.
*તમામ કેમ્પનો સમય સવારે ૯:૩૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધીનો રહેશે.* પાત્રતા ધરાવતા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોએ નિર્ધારિત તારીખે સંબંધિત કેમ્પ સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર રહી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
ADIP યોજના હેઠળના દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગતા પ્રમાણપત્ર/UDID કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર તેમજ વાર્ષિક આવક રૂ. ૨,૭૦,૦૦૦થી વધુ ન હોય તેવી આવકની વિગતો સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. જ્યારે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળના પાત્ર વરિષ્ઠ નાગરિકોએ આધાર કાર્ડ, મોબાઇલ નંબર તેમજ વાર્ષિક આવક રૂ. ૧,૮૦,૦૦૦થી વધુ ન હોય તેવી આવકની વિગતો સાથે કેમ્પમાં હાજર રહેવાનું રહેશે.
*આ કેમ્પ દરમિયાન માત્ર રજિસ્ટ્રેશન અને લાભાર્થીની જરૂરિયાત મુજબ સહાયક ઉપકરણ માટેની તપાસની કામગીરી કરવામાં આવશે. કેમ્પ સ્થળે સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે નહીં.* રજિસ્ટ્રેશન બાદ પાત્રતા મુજબ મંજૂર થયેલ સહાયક ઉપકરણોના વિતરણ માટે અલગથી તારીખ નક્કી કરી લાભાર્થીઓને જાણ કરવામાં આવશે અને તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગથી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવશે* .
નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કેમ્પનો વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓ લાભ લે તે માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનો, વરિષ્ઠ નાગરિકો, તેમના પરિવારજનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સંબંધિત તમામને આ કેમ્પની માહિતીનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા તથા પાત્ર લાભાર્થીઓને કેમ્પ સ્થળે પહોંચાડી રજિસ્ટ્રેશનની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ કેમ્પ અંગે વધુ માહિતી માટે ૯૨૬૫૦૩૯૫૯૩ તથા ૦૨૬૩૭-૨૩૨૪૪૦ પર સંપર્ક કરવા નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.




