વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે સન્માન સમારોહ યોજાયો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વજેગઢ ખાતે સંતશ્રી સદારામ ઠાકોર લાઇબ્રેરીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ મેળવી સમાજનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધી વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે. આ સિદ્ધિને બિરદાવવા માટે ઉચ્ચ મેરિટ તથા નોંધપાત્ર શૈક્ષણિક સફળતા મેળવનાર કુલ 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી સ્વરૂપજી ઠાકોર, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશજી ઠાકોર તથા થરાદ તાલુકા ઉપપ્રમુખ ભુરાજી ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત મહેનત કરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કરવા પ્રેરણા આપી હતી. શિક્ષણ એ સમાજની પ્રગતિનું સૌથી મજબૂત સાધન છે ત્યારે ઠાકોર સમાજના યુવાનો શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે તે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા ઠાકોર સમાજના પ્રમુખ પ્રધાનજી ઠાકોર, ઠાકોર સેનાના પ્રમુખ પીરાજી ઠાકોર, દેવાજી ઠાકોર, ધારશીજી ઠાકોર, ભમરાજી વાઘેલા, જોરાજી ઠાકોર, મુકેશજી ઠાકોર સહિત સમાજના આગેવાનો અને યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન માત્ર સન્માન સમારોહ નહીં, પરંતુ સમાજના અન્ય વિદ્યાર્થીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપતો સંદેશ બન્યો હતો.





