
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સેવા, સંવેદના અને સહભાગિતાનો આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદના પગલે વાંસદા તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પાણીમાં ડૂબી ગઈ હતી, જ્યારે કેટલાક પરિવારોના ઘરોને ભારે નુકસાન થતાં તેઓ ઘરવિહોણા બન્યા હતા. આવી મુશ્કેલ ઘડીમાં જરૂરિયાતમંદ પરિવારોની વહારે આવી શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ, નાની ભમતી (વાંસદા) અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નડિયાદ દ્વારા માનવતાભર્યું સેવાકાર્ય હાથ ધરાયું હતું.
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બંને સંસ્થાઓના સંયુક્ત સહયોગથી વાંસદા તાલુકાના ખંભાળિયા (ઉનાઈ), કુકડા અને કુરેલિયા ગામે ખાસ જરૂરિયાતમંદ ખેતમજૂરો, નિરાધાર વડીલો તેમજ શ્રમિક પરિવારોને રેઇનકોટ અને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વરસાદી માહોલ વચ્ચે પણ સેવાભાવીઓએ ગામે-ગામ પહોંચીને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડી હતી. ગામના વડીલો, આગેવાનો તથા યુવા કાર્યકર્તાઓની ઉપસ્થિતિ અને સહયોગથી આ સેવાકાર્યને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું હતું. અનરાધાર વરસાદને કારણે અનેક પરિવારોની રોજિંદી જિંદગી પર ગંભીર અસર પડી હતી. ઘરોમાં પાણી ભરાતા અનાજ, કપડાં સહિતની ઘરવખરીને નુકસાન થયું હતું. કેટલાક પરિવારો માટે છત બચાવવી પણ મુશ્કેલ બની હતી. આવા સમયે રેઇનકોટ અને છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુઓ પણ વરસાદમાં રોજીરોટી માટે બહાર નીકળતા શ્રમિકો અને ખેતમજૂરો માટે મોટી રાહત બની છે. સેવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસે ‘વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નહીં, પરંતુ આદિવાસી સમાજ સાથે ઉભા રહેવાનો અને જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવાનો દિવસ છે’ એવો પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે.શ્રી જનસેવા સંઘ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આ સેવાકાર્યથી જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર રાહત અને સ્મિત જોવા મળ્યું હતું.





