BODELICHHOTA UDAIPUR

ખત્રી વિદ્યાલયમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી: વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળીઓ આપી આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટીબુમડી પીએચસી (PHC) સેન્ટરમાંથી ચિંતનભાઈ પટેલ અને તેમની મેડિકલ ટીમે શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શરીરમાં કૃમિના અસ્તિત્વ, તેનાથી થતી આડઅસરો જેવી કે લોહીની કમી, નબળાઈ, કુપોષણ, માનસિક વિકાસમાં અવરોધ અને અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ વગેરે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ કૃમિનાશક ગોળી ખાવાથી સ્વાસ્થ્યમાં થતા સુધારા, શારીરિક-માનસિક વિકાસ અને અભ્યાસમાં પ્રગતિ જેવા ફાયદાઓ સમજાવી તમામ વિદ્યાર્થીઓને અલ્બેન્ડાઝોલ (કૃમિનાશક) ગોળી ખવડાવવામાં આવી હતી. આ ઉપરાંત, રોજિંદા આહારમાં પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવા, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવા તેમજ સિકલસેલ જેવા ગંભીર રોગોથી પીડાતા બાળકો માટે સરકારશ્રીની મફત મેડિકલ સારવાર યોજનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી યુ. વાય. ટપલા દ્વારા આરોગ્ય ટીમની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!