ગોધરા વર્તુળ કચેરી હેઠળ ના શહેરા-૧ અને ૨ સબ ડિવિઝનમાં MGVCLનું મેગા ચેકિંગ:૧૪૯ જોડાણોમાંથી રૂ. ૨૫.૭૨ લાખની વીજચોરી ઝડપાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વીજચોરી અટકાવવાના ભાગરૂપે, વડી કચેરી ના ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન સાથે, ગોધરા ડિવિઝન હેઠળ આવતા શહેરા-૧ અને શહેરા-૨ સબ ડિવિઝન વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ માસ ચેકિંગ ડ્રાઇવ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓની બનેલી વિવિધ ટીમોએ કુલ ૧૧૮૭ વીજ જોડાણોની સઘન તપાસ કરી હતી, જેમાંથી ૧૪૯ જોડાણોમાં ગેરરીતિ અને વીજચોરી માલૂમ પડતાં કુલ રૂ. ૨૫.૭૨ લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ વીજ ચેકિંગ ઝુંબેશને સફળ બનાવવા માટે ભારે કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. જેમાં MGVCL ની કુલ ૩૭ ગૅંગોના ૯૪ જેટલા ટેકનિકલ અધિકારી તથા કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી, જેમાં પ્રોટેક્શન સ્ટાફના ૨૯ જવાનો તેમજ GUVNL પોલીસ સ્કવોડના ૧૧ પોલીસ કર્મીઓ (PSI, ASI, HC, Const.) સહિતનો પોલીસ કાફલો સતત સાથે રહ્યો હતો.
તપાસ દરમિયાન શહેરા-૧ સબ ડિવિઝન હેઠળના નાથુજીના મુવાડા, ખોડિયાર, બામરોલી અને વાડી જેજીવાય ફીડર તથા શહેરા-૨ હેઠળના સુરેલી, બોરિયાવી, પાનામ-૨ અને ખટકપુર જેજીવાય ફીડરો પર વીજ તપાસ કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમિયાન અણીયાદ, મીઠાપુર, ખરેડિયા, બોડીદ્રા, કવાલી, ધારાપુર, બિલીથા, રેણા, મોરવા, ધાયકા, સાદરા, તરસંગ, ઝોઝ, વારીયાલ, તાડવા, ડેમલી, અંબાજેટી, વાડી, વલ્લવપુર, ઉજડા, ધાંધલપુર, વિજાપુર, લાડછી, પાલિખંડા, હંસેલાવ, શેખપુર, ભદ્રાલા, ભોટીયા, ઝેડી, ભૂણીન્દ્રા, છોગાળા, સગરાડા અને ગૂગળીયા જેવા અનેક ગ્રામ્ય વિસ્તારો આવરી લેવાયા હતા.
ચેકિંગની આ કામગીરી દરમિયાન કુલ 149 વીજચોરીના કિસ્સા અને અનધિકૃત વીજવપરાશના કિસ્સા સામે આવવ્યા હતા. MGVCL ની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના વીજચોરો અને ગેરરીતિ આચરનારાઓમાં ભારે ફાળ પડી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઇઝ ચેકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. આથી તમામ વીજ ગ્રાહકો ને વીજ ચોરી થી દુર રહેવા તથા નિયમસર વીજળી નો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવે છે.







