WAKANER:વાંકાનેર કાછિયાગાળા ખાતે બાળ આરોગ્ય સુધારણા અર્થે આલ્બેન્ડાઝોલ ગોળીઓનું વિતરણ કરાયું

WAKANER:વાંકાનેર કાછિયાગાળા ખાતે બાળ આરોગ્ય સુધારણા અર્થે આલ્બેન્ડાઝોલ ગોળીઓનું વિતરણ કરાયું
‘કૃમિ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત ૧ થી ૧૯ વર્ષના બાળકોને આવરી લેવાયા; આરોગ્ય ટીમ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવાઈ
વાંકાનેર કાછિયાગાળા | ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ બાળકોના સર્વાંગી વિકાસ અને આરોગ્યની જાળવણી માટે સરકારશ્રીના ‘કૃમિ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત આજે કાછિયાગાળા ગામ ખાતે બાળ આરોગ્ય સુધારણા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ગામની વિવિધ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક આલ્બેન્ડાઝોલ (Albendazole) ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આરોગ્ય ઝુંબેશનું આયોજન તાલુકા હેલ્થ ઓફિસર (THO) ડો. અતીફ કદીવાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડીના મેડિકલ ઓફિસર ડો. સાયમા બાદી તથા આયુષ્માન આરોગ્ય મંદિર કાછિયાગાળાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) રાજભાઈ આર. મકવાણા, મહિલા આરોગ્ય કાર્યકર (FHW) વંદનાબેન એ. સોલંકી અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) પ્રતિપાલસિંહ ડી. પરમારની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક આંગણવાડી વર્કરો અને શાળાના શિક્ષકોનો પણ સરાહનીય સહયોગ સાંપડ્યો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, બાળકોમાં જોવા મળતા પાંડુરોગ (એનિમિયા), કુપોષણ અને શારીરિક તથા માનસિક વિકાસમાં અવરોધરૂપ બનતા કૃમિ સંક્રમણને અટકાવવું એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આરોગ્ય ટીમનો સંદેશ અને જાગૃતિ આ પ્રસંગે સ્થાનિક આરોગ્ય ટીમે સંદેશ આપતા જણાવ્યું હતું કે, “કૃમિથી મુક્તિ એ બાળકના સ્વાસ્થ્ય, પોષણ અને શિક્ષણમાં સુધારા તરફનું એક અત્યંત મહત્વનું પગલું છે. દરેક વાલીઓએ પોતાના બાળકોના તંદુરસ્ત ભવિષ્ય માટે સમયાંતરે કૃમિનાશક ગોળીઓ અવશ્ય અપાવવી જોઈએ.”ગોળી વિતરણ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા બાળકો અને વાલીઓને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા, નિયમિત હાથ ધોવાની ટેવ પાડવા તેમજ ખુલ્લામાં શૌચ ન કરવા જેવી આરોગ્યપ્રદ ટેવો વિશે પણ વિસ્તૃત માહિતી આપીને જાગૃત કરવામાં આવ્યા હતા.










