
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા/ સુરત – રેગિંગે ડૉ. હર્ષ પંડ્યાને મરવા મજબૂર કર્યો હોવાના આક્ષેપ, મોડાસા પહોંચ્યો મૃતદેહ તો પરિવારજનોનું હૈયાફાટ રુદન – ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સસ્પેન્ડ
મોડાસા/સુરત : મોડાસાના વતની અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ સુભાષભાઈ પંડ્યાના આપઘાતના બનાવમાં રેગિંગનો ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. તપાસ દરમિયાન સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા માનસિક ત્રાસ અને રેગિંગ કરવામાં આવતું હોવાના તારણ બાદ ચાર રેસિડેન્ટ ડોક્ટરો સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના ડીન ડૉ. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટરો તથા તેમના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈકર્મીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા.રાત્રે 8:30 થી વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કર્યો હતો.
કમિટીના અહેવાલના આધારે ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ડૉ. નિરાલી વસાવે, ડૉ. અનુજ મહેશ્વરી, ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભુતનો સમાવેશ થાય છે.ચારેયને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ સસ્પેન્શનના સમયગાળા દરમિયાન હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.એન્ટી રેગિંગ કમિટીના અહેવાલને કોલેજ કાઉન્સિલે સર્વાનુમતે મંજૂરી આપી હોવાનું જણાવાયું છે અને સમગ્ર મામલે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ પણ મોકલવામાં આવ્યો છે.
ઘટના ને લઈ આરોગ્યમંત્રી પણ આકરા પાણીએ આવ્યા હતા અને ડૉ. હર્ષ પંડ્યાના મોત બાદ રેગિંગ મુદ્દે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે રેગિંગ કરનારા તબીબોને ચેતવણી આપતા જણાવ્યું કે, તબીબી ક્ષેત્રમાં રેગિંગ જેવી પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ અને આવી હરકત સર્ટિફિકેટમાં નોંધાય તો ભવિષ્યમાં તેની ગંભીર અસર થઈ શકે છે
સુરતથી ડૉ. હર્ષ પંડ્યાનો મૃતદેહ અંતિમવિધિ માટે તેમના વતન મોડાસા લાવવામાં આવતા પરિવારજનો અને સગા-સંબંધીઓમાં ભારે આક્રંદ ફેલાયો હતો. એકના એક જુવાનજોધ પુત્રને ગુમાવનાર માતા-પિતાની હાલત જોઈ ઉપસ્થિત લોકો પણ ગમગીન બની ગયા હતા.આશાસ્પદ યુવા તબીબના મોતથી મોડાસા શહેરમાં પણ ભારે શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે.હજારો લોકો અંતિમવિધિમાં ઉમટ્યાડૉ. હર્ષ પંડ્યાની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેગિંગના કારણે યુવા તબીબનું જીવન છીનવાયું હોવાના આક્ષેપો વચ્ચે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. કેટલાક લોકોએ દોષિતો સામે કડક સજા કરવાની પણ માંગ કરી હતી.હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને રેગિંગ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કઈ રીતે આગળ વધે છે તેના પર સૌની નજર છે.





