
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકા પંચાયત ક્ષેત્રમાં ૧૫મા નાણાંપંચની બચત ગ્રાન્ટ અંતર્ગત વિકાસ કામોના આયોજન અને મંજૂરી બાબતે વિપક્ષી સભ્યો સાથે અન્યાય અને પક્ષપાત થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે ઉપપ્રમુખ સહીત સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વઘઈ તાલુકા પંચાયતમાં ૧૫મા નાણાપંચની બચત ગ્રાન્ટમાંથી વિકાસના કામોનું આયોજન કરી તાલુકા પંચાયત કચેરી ખાતે સાદર કરવા માટે તાલુકા પંચાયતના તમામ સભ્યોને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાનમાં તમામ સભ્યો દ્વારા પોતપોતાના વિસ્તારના કામોનું આયોજન તૈયાર કરીને કચેરીએ સાદર પણ કરવામાં આવ્યું હતું.જોકે, તાલુકા પંચાયતના વિપક્ષી સભ્યોએ આરોપ લગાવ્યો છે કે ઉપલી કક્ષાએથી કામોની વહીવટી મંજૂરી માટે જે યાદી નક્કી કરવામાં આવી હતી, તેમાં વિપક્ષના સભ્યોના ખૂબ જ નહિવત (ઓછા) પ્રમાણમાં કામો ફાઇનલ કરવામાં આવ્યા છે. તેની સરખામણીએ શાસક પક્ષના સભ્યોના મોટાભાગના કામોને ફાઇનલ કરી મંજૂરી માટે આગળ ધપાવવામાં આવ્યા છે, જે સીધો પક્ષપાત અને અન્યાય દર્શાવે છે.આ ઉપરાંત, ૧૫મા નાણાંપંચના કામોના આયોજન માટે શાસક પક્ષના સભ્યો પાસેથી લેખિતમાં માંગણી કરવામાં આવી હતી, જ્યારે વિપક્ષના તાલુકા સભ્યોને હજુ સુધી આ અંગે કોઈ જ અધિકૃત સૂચના આપવામાં આવી નથી.વિપક્ષી સભ્યોએ આ સમગ્ર બાબતે ભારે વિરોધ દર્શાવી કચેરી અને વહીવટી તંત્ર પાસે યોગ્ય સ્પષ્ટતા કરવાની માંગ કરી છે.આ આવેદનપત્રમાં કામોના આયોજન અંગેની ક્રોસિંગ નકલ પણ જોડાણ તરીકે રજૂ કરવામાં આવી છે. આ આવેદનપત્ર પાઠવવામાં વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઈસ્તરબેન તથા તાલુકા પંચાયત સદસ્ય (૧૪-વઘઈ) એસ.બી. પવાર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી તંત્ર પાસે યોગ્ય ન્યાયી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી હતી..





