
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – વાત્રક નદીના બ્રીજ પર પ્રતિબંધ છતાં પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર ઘૂસ્યું, રેલીંગ તૂટતા રૂ.30 હજારનું નુકસાન – નોંધાઈ ફરિયાદ
બાયડ-દહેગામ હાઈવે પર ડાભા ગામ નજીકની ઘટના, ટેન્કર ચાલક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ
અરવલ્લી : બાયડ-દહેગામને જોડતા હાઈવે રોડ પર ડાભા ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીના બ્રીજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં પેટ્રોલ-ડીઝલ ભરેલું ટેન્કર બ્રીજ પર લઈ જવાની ઘટના સામે આવી છે. ટેન્કર પસાર થતી વખતે બ્રીજના છેડે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ તૂટી જતા અંદાજે રૂ.30 હજારનું નુકસાન થયું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે
મળતી માહિતી મુજબ, વાત્રક નદી પરનો બ્રીજ જૂનો અને જર્જરિત હોવાથી ભારે વાહનોની અવરજવર રોકવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, અરવલ્લી-મોડાસા દ્વારા તા.4 જુલાઈ 2026ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભારે વાહનો બ્રીજ પરથી પસાર ન થઈ શકે તે માટે બ્રીજના બંને છેડે મર્યાદિત ઊંચાઈની લોખંડની ચેનલ રેલીંગ પણ લગાવવામાં આવી હતી.દરમિયાન તા.8 ઓગસ્ટના રોજ પોલીસને બાતમી મળી હતી કે ડાભા બ્રીજ પર એક ટેન્કર ચાલકે ભારે વાહન પ્રતિબંધ માટે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગ તોડી નાખી છે અને તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. માહિતીના આધારે પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
તપાસ દરમિયાન અશોક લેલન્ડ કંપનીનું પેટ્રોલ-ડીઝલ પરિવહન કરતું ટેન્કર મળી આવ્યું હતું. ટેન્કરનો નંબર GJ-10-TX-6327 હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચાલકની પૂછપરછ કરતા તેનું નામ દિલીપસિંહ ઉદયરાજસિંહ રાજપૂત (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યું હતું.
ફરિયાદ મુજબ, ટેન્કર જામનગરથી પેટ્રોલ-ડીઝલ ભરીને બાયડ ખાતે આવેલા ઉમીયા પેટ્રોલિયમ ખાતે ડિલિવરી કરવા જઈ રહ્યું હતું. બ્રીજના દહેગામ તરફના છેડે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગનો ઉપરનો ભાગ તૂટી ટેન્કરના ઉપરના ભાગે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. રેલીંગ તેના થાંભલા સાથેના જોડાણમાંથી પણ તૂટી ગયેલી હોવાનું પોલીસને જણાયું હતું.પોલીસે પંચોની હાજરીમાં ઘટનાનું પંચનામું કર્યું હતું. ટેન્કરમાં જ્વલનશીલ પેટ્રોલ-ડીઝલ ભરેલું હોવાથી ટેન્કરને સ્થળ પરથી કબજે કરવું હિતાવહ ન હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે.આ સમગ્ર મામલે ટેન્કર ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક વાહન હંકારી બ્રીજ પર ભારે વાહનોના પ્રતિબંધ માટે લગાવવામાં આવેલી રેલીંગ તોડી નાખી અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





