Rajkot: રાજકોટમાં ઉત્સાહભેર ઉજવાયો ‘વિશ્વ સિંહ દિવસ’ ૧૧ તાલુકાઓની ૧,૬૭૦ શાળાઓમાં ગૂંજ્યો સિંહ સંરક્ષણનો સંદેશ

તા.૧૦/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – હેમાલી ભટ્ટ
વન્યજીવ જાગૃતિ રેલી, ચિત્ર, વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાઓ સાથે સિંહ દિવસની ભવ્ય ઉજવણી
Rajkot: સિંહોનું રક્ષણ કરવા અને લોકોમાં તેમના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુ સાથે દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓની ૧,૬૭૦ શાળાઓમાં ‘વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેના માધ્યમથી બાળકોએ પોતાની કળા અને વિચારો દ્વારા સિંહ સંરક્ષણનો સંદેશ વહેતો કર્યો હતો. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરીને સિંહ જાગૃતિ રેલી પણ યોજી હતી.
આ કાર્યક્રમો દરમિયાન વન વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સિંહ તેમજ અન્ય વન્યપ્રાણીઓ વિશે સમજ, વન અને વન્ય પ્રાણીઓનું મહત્વ, વૃક્ષ વાવી તેનું જતન કરવા સહિતની બાબતોનું વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૩થી વૈશ્વિક સ્તરે શરૂ થયેલી આ ઉજવણી અંતર્ગત ગુજરાતમાં પણ તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં એશિયાઈ સિંહ એક અનોખો પર્યાવરણીય અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જે ફક્ત સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં જોવા મળે છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગુજરાત સરકારના પ્રયાસોથી આ પ્રતિષ્ઠિત પ્રજાતિના અસ્તિત્વ અને વિકાસને સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
આ કાર્યક્રમોમાં રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, પ્રકૃતિપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનોએ ઉપસ્થિત રહી સિંહોના જતન અને સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.







