સાબરકાંઠાની વિવિધ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીતનું સમૂહ ગાન કરાયું

સાબરકાંઠાની વિવિધ શાળાઓમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીતનું સમૂહ ગાન કરાયું
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં શરૂ કરાયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા એક વિશેષ અને દેશભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એકસાથે ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીતનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરભાવ વધુ મજબૂત કરવાનો છે. જિલ્લાની તમામ શાળાઓમાં નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સંચાલકોએ એકસાથે એકસૂરે ‘વંદે માતરમ્’નું ગાન કરી દેશના અમર શહીદોને ભાવાંજલિ અર્પી હતી.
કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે ઓગસ્ટ માસ દરમિયાન પોતાના ઘરે ગૌરવપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને ફ્લેગ કોડ (રાષ્ટ્રધ્વજ સંહિતા) મુજબ તેનું સન્માન જાળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ ઉપરાંત, અભિયાન અંતર્ગત શાળાઓમાં દેશભક્તિ પર આધારિત વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને પોતાના ઘરે ત્રિરંગો લહેરાવી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જયંતિ પરમાર સાબરકાંઠા




