MORBI:મોરબીના વીસીપરામાં સામે જોવા જેવી નજીવી બાબતે યુવક પર ઈંટ વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

MORBI:મોરબીના વીસીપરામાં સામે જોવા જેવી નજીવી બાબતે યુવક પર ઈંટ વડે હુમલો: ત્રણ સામે ફરિયાદ નોંધાઈ
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલી બિલાલી મસ્જિદ પાસે સામુ જોવા જેવી સામાન્ય બાબતે તકરાર થતાં ત્રણ શખ્સોએ એક યુવક પર જાનલેવા હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, વીસીપરા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય નિઝામભાઈ જુસબભાઈ માણેક બિલાલી મસ્જિદ નજીક ઊભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં જયેશ અગેચાણીયા (રહે. અમરેલી રોડ, મોરબી) અને તેની સાથેના અન્ય બે અજાણ્યા શખ્સો સાથે સામસામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી.આરોપીઓએ “મારી સામે શું કામ જુએ છે?” તેમ કહી યુવકને ભૂંડી ગાળો આપી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ નિઝામભાઈને માથાના ભાગે ઈંટ મારીને ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ઈજાગ્રસ્ત યુવકે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી જયેશ અગેચાણીયા અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








