ગિરનારની ગોદમાં ‘પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન’નો સંકલ્પ, ભારતી આશ્રમ-ભવનાથ ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભેર યોજાઈ રહ્યો છે
ગિરનારની ગોદમાં ‘પ્રશિક્ષિત કાર્યકર્તા, સશક્ત સંગઠન’નો સંકલ્પ, ભારતી આશ્રમ-ભવનાથ ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપનો ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ ઉત્સાહભેર યોજાઈ રહ્યો છે

ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે તા. ૯ થી ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ભારતી આશ્રમ, ભવનાથ-જૂનાગઢ ખાતે ત્રિ-દિવસીય જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગિરનારની પાવન ગોદમાં આધ્યાત્મિકતા, સંસ્કાર, વિચારધારા અને સંગઠનશક્તિના સુંદર સમન્વય સાથે ચાલી રહેલા આ પ્રશિક્ષણ વર્ગમાં જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરતા પૂર્વે કાર્યકર્તાઓ દ્વારા ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન ભવનાથ મહાદેવના આશીર્વાદ અને ગિરનારની પવિત્ર ભૂમિમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓએ પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો હતો.
વિચારધારા સાથે કાર્યપદ્ધતિનું પ્રશિક્ષણ
ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ભાજપની વિચારધારા, સંગઠનનું માળખું, કાર્યપદ્ધતિ, કાર્યકર્તાની ભૂમિકા અને રાષ્ટ્ર નિર્માણમાં સંગઠનની જવાબદારી સહિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર સત્રો યોજાઈ રહ્યા છે. પ્રથમ દિવસે અભિવાદન, રજિસ્ટ્રેશન તથા ઉદ્ઘાટન સત્ર બાદ ભાજપની વિચારધારા અને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે જોડાયેલા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરી અંગે પણ કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. બીજા દિવસે વહેલી સવારે યોગ-પ્રાણાયામ દ્વારા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બુથ વ્યવસ્થાપન, સ્થાયી કાર્યક્રમો, ‘મન કી બાત’, મીડિયા વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિ, વૈચારિક અધિષ્ઠાન, ભાજપનો ઇતિહાસ અને વિકાસ સહિતના વિષયો પર વિવિધ સત્રો યોજાયા હતા.આ ઉપરાંત દેશની સમસ્યાઓને સમજવા, તેના પડકારો અને નિદાન માટે કાર્યકર્તાઓની ભૂમિકા તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સંગઠનના યોગદાન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં કાર્યકર્તાઓને સજ્જ કરવાનો પ્રયાસ
પ્રશિક્ષણ વર્ગના ત્રીજા દિવસે વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા, AI, નમો એપ, સરળ એપ, ઓનલાઈન પરીક્ષા, કાર્યકર્તા વિકાસ, સંવાદ તથા હેલ્પ ડેસ્ક જેવા આધુનિક અને ટેક્નોલોજી આધારિત વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ સત્રોનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓને બદલાતા સમય સાથે તાલ મિલાવીને સંગઠનના કાર્યોને વધુ અસરકારક રીતે જનજન સુધી પહોંચાડવા માટે સક્ષમ બનાવવાનો છે.
સાધુ-સંતોની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી ગુંજી ઊઠ્યું ભવનાથ
પ્રશિક્ષણ વર્ગ દરમિયાન રાત્રિના સમયે સાધુ-સંતોની પાવન ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગિરનારની પાવન ભૂમિ, સંતો-મહંતોના આશીર્વાદ અને સંગઠનના કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિકતા અને ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કાર્યકર્તાઓમાં પરસ્પર આત્મીયતા, સંવાદ અને સંગઠનભાવના વધુ મજબૂત બની હતી.
કાર્યકર્તા એ ભાજપની સૌથી મોટી શક્તિ
આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ માત્ર વિષય આધારિત પ્રશિક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કાર્યકર્તાઓને સંગઠનની વિચારધારા, કાર્યપદ્ધતિ અને જવાબદારીઓ અંગે વધુ સુસજ્જ કરી સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાનો છે. ભાજપની સંગઠન શક્તિ તેના સમર્પિત કાર્યકર્તાઓમાં રહેલી છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં વિચારની સ્પષ્ટતા, કાર્યની દિશા, જવાબદારીની સમજ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને તે દિશામાં આ પ્રશિક્ષણ વર્ગ મહત્વપૂર્ણ બની રહ્યો છે.
‘પ્રશિક્ષિત કાર્યકર્તા • સશક્ત સંગઠન’
જૂનાગઢ જિલ્લાના કાર્યકર્તાઓ માટે યોજાયેલ આ ત્રિ-દિવસીય પ્રશિક્ષણ વર્ગમાં સંગઠન, વિચારધારા, કાર્યપદ્ધતિ, બુથ વ્યવસ્થાપન, મીડિયા, સોશિયલ મીડિયા, ટેક્નોલોજી, કાર્યકર્તા વિકાસ તથા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ વિષયોનું વિસ્તૃત પ્રશિક્ષણ અને માર્ગદર્શન મળી રહ્યું છે. ગિરનારની ગોદમાં યોજાઈ રહેલો આ પ્રશિક્ષણ વર્ગ કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, નવી દિશા અને નવા સંકલ્પનો સંચાર કરી રહ્યો છે. આગામી સમયમાં સંગઠનને વધુ વ્યાપક, મજબૂત અને જનસેવા કેન્દ્રિત બનાવવામાં આ પ્રશિક્ષણ વર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






