દેડિયાપાડા સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

દેડિયાપાડા સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાત્સલ્યમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
દેડિયાપાડા, 10 ઓગસ્ટ 2026: સરકારી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, દેડિયાપાડા ખાતે સપ્તધારા અંતર્ગત સામુદાયિક સેવા ધારા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કોલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલ રહ્યા હતા. આ પ્રસંગે IQAC Coordinator ડૉ. રમેશભાઈ વસાવા સહિત કોલેજના અધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક પ્રીતિકાબેન વસાવા અને ડૉ. બરખાબેન વસાવાએ કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તથા ધરતી વંદનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચ પર ઉપસ્થિત અધ્યાપકશ્રીઓનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સામુદાયિક સેવા ધારાના સંયોજક શ્રી સંદિપકુમાર ગાઈને આદિવાસી સંસ્કૃતિ, તેની વર્તમાન સ્થિતિ તેમજ આધુનિકતાના યુગમાં પોતાની સંસ્કૃતિને જાળવી રાખવામાં યુવા પેઢીની ભૂમિકા અંગે વિચાર રજૂ કર્યા હતા. પ્રાધ્યાપક વિશાલભાઈ વસાવાએ આદિવાસી જીવન સાથે જોડાયેલા વિવિધ પ્રસંગો અંગે માહિતી આપી હતી, જ્યારે ડૉ. રિતેશકુમાર પરમારે આદિવાસી સંસ્કૃતિના વૈવિધ્ય વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચાર વિદ્યાર્થીઓએ આદિવાસી સંસ્કૃતિ વિષયક વક્તવ્ય રજૂ કર્યા હતા. ઉપરાંત ત્રણ લોકગીતોની રજૂઆત કરવામાં આવી હતી અને પરંપરાગત આદિવાસી વેશભૂષાનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
IQAC Coordinator ડૉ. રમેશભાઈ વસાવાએ પોતાના શુભેચ્છા સંબોધનમાં આ વર્ષના વિશ્વ આદિવાસી દિવસની થીમ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી તેની પ્રાસંગિકતા સમજાવી હતી. તેમણે પરંપરાગત તહેવારો અને આદિવાસી સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવા માટે સૌને અપીલ કરી હતી.
કાર્યક્રમના સમાપન પૂર્વે પ્રાધ્યાપક શ્રી સુરેશભાઈ ગામિત દ્વારા લોકગીતોની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓએ આદિવાસી ગીતોની ધૂન પર સામૂહિક નૃત્ય કરી કાર્યક્રમને આનંદમય માહોલમાં પૂર્ણ કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાની સાંસ્કૃતિક જડોને ઓળખવા, આદિવાસી અસ્મિતાને જાળવી રાખવા તેમજ આધુનિકતાની સાથે પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.




