MORBI:મોરબી મચ્છુ જળ હોનારતની 47મી વરસી પર મહાનગરપાલિકા દ્વારા મૌન રેલી યોજાઈ, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ

MORBI:મોરબી મચ્છુ જળ હોનારતની 47મી વરસી પર મહાનગરપાલિકા દ્વારા મૌન રેલી યોજાઈ, મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીમાં બનેલી ગોઝારી મચ્છુ જળ હોનારતની 47મી વરસી નિમિત્તે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક ભાવુક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલી મહાનગરપાલિકા કચેરી ખાતેથી પ્રસ્થાન થઈને મણિમંદિર પાસે આવેલી મૃતકોની સ્મારક ખાંભી સુધી પહોંચી હતી.
રેલીની શરૂઆત ૨૧ સાયરનની ગૂંજ સાથે કરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડના જવાનો અગ્રેસર રહ્યા હતા. આ મૌન રેલીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી, ડેપ્યુટી કમિશનર, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા તેમજ જિલ્લા અને શહેર ભાજપ-કોંગ્રેસના પ્રમુખો અને વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત પોલીસ પ્રશાસનના જવાનો અને સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ પણ મૃતકોને આદરંજલિ આપવા ઉપસ્થિત રહ્યા હતા.
મૌન રેલી મણિમંદિર સ્થિત મૃતકોની ખાંભી પર પહોંચી ત્યારે ૨૧ સાયરન પૂર્ણ થવાની સાથે રેલી સંપન્ન થઈ હતી. ત્યારબાદ ત્યાં એકત્રિત થયેલા તમામ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોએ ૨ મિનિટનું મૌન પાળીને દિવંગત આત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી. આ દુઃખદ હોનારતમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનોએ પણ ખાંભી પર પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.













