NATIONAL

દેશમાં દર 3માંથી 1 વકીલ નકલી છે, જે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે : BCI

દેશમાં બોગસ વકીલો સામે મોટા પાયે કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે એક અરજી પર સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે, જેમાં નકલી વકીલો સામેની તપાસ CBIને સોંપવાની માગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે આ મુદ્દાને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું છે કે વકીલાત એ એક મહત્ત્વનો વ્યવસાય છે અને જો તેમાં નકલી લોકો ઘૂસી જશે તો ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થશે.

અરજીમાં બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રમુખ મનન મિશ્રાના એક નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે બારમાં 30થી 40 ટકા વકીલો બોગસ છે, જેનો અર્થ એ થાય છે કે, દેશમાં દર 3માંથી 1 વકીલ નકલી છે. જૂન 2026માં બાર કાઉન્સિલના વકીલો પ્રશાંત કુમાર અને વિપિન નાયરે આ આંકડા સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યા હતા અને આ ગંભીર બાબત પર તાત્કાલિક ધ્યાન આપવાની માગ કરી હતી.

અરજીકર્તા વકીલ રાજા ચૌધરીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, વકીલાતના વ્યવસાયનો દુરુપયોગ થઈ રહ્યો છે અને જે લોકો ખરેખર વકીલ નથી તેઓ આ નામે ગેરકાયદે વસૂલી કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નોંધ્યું હતું કે, 105 વકીલોનો મામલો સામે આવ્યો છે, જ્યારે અરજીકર્તાએ દાવો કર્યો હતો કે, એકલા અલ્હાબાદ બારમાં જ 1000થી વધુ નકલી વકીલો છે અને અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે.

કફીલ ખાન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના એક કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે, વકીલાતના વ્યવસાયમાં માફિયા લોકો બેઠા છે’ આ બાબત બાદ ઉત્તર પ્રદેશમાં બોગસ વકીલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અલ્હાબાદમાં બાર કાઉન્સિલની ભલામણ પર 68 વકીલો સામે FIR નોંધવામાં આવી છે અને યુપી પોલીસના જણાવ્યા મુજબ કુલ 100 જેટલી FIR નોંધવાની તૈયારી ચાલી રહી છે.

ઑગસ્ટ 2023માં કાયદા મંત્રાલયે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, ભારતમાં હાલ 20 લાખ રજિસ્ટર્ડ વકીલો છે અને દર વર્ષે આશરે 80 હજાર નવા વકીલો નોંધાય છે. વકીલાત માટે લોની ડિગ્રી અને બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત વકીલોની પ્રેક્ટિસની ખરાઈ કરવા માટે 2015ના નિયમો મુજબ દર 5 વર્ષે માહિતી એકઠી કરવામાં આવે છે અને ખોટી માહિતી આપનાર સામે પગલાં લેવાની સત્તા બાર કાઉન્સિલ પાસે છે.

Back to top button
error: Content is protected !!