MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને ચકાસણી ઝુંબેશ: બે કોમર્શિયલ બિલ્ડીંગમાં ૩૫ લોકોને અપાઈ તાલીમ

MORBI:મોરબી મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી ટ્રેનિંગ અને ચકાસણી ઝુંબેશ: બે કોમર્શિયલ બિલ્ડીંગમાં ૩૫ લોકોને અપાઈ તાલીમ
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા અને કોઈ પણ અણધારી આપદા નિવારવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે તા. ૦૫/૦૮/૨૦૨૬ થી ૧૧/૦૮/૨૦૨૬ દરમિયાન વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને શંકાસ્પદ કે અપૂરતી ફાયર સિસ્ટમ ધરાવતી બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અગ્નિશમન શાખા દ્વારા આ સપ્તાહ દરમિયાન ૦૨ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં કુલ ૩૫ લોકોને ફાયર પ્રિવેન્શન અને આકસ્મિક સમયે ફાયરના સાધનોનો સાચો ઉપયોગ કરવા અંગેની પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડવામાં આવી હતી.
અપૂરતી ફાયર સેફ્ટી ધરાવતી બિલ્ડીંગોને નોટિસ પ્રિવેન્શનની કામગીરીના ભાગરૂપે ટીમ દ્વારા શહેરના વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જે બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી કે અપૂર્તતા જોવા મળી હતી, તેમને તાત્કાલિક નોટિસ ફટકારી જરૂરી સૂચનાઓ અને ગાઈડલાઈન આપવામાં આવી હતી. આ ઉપરાંત, ૦૨ ફાયર સેફટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ મળતા તેને આગળની પ્રક્રિયા માટે આર.એફ.ઓ. (RFO) કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી છે.
જાન-માલનું રક્ષણ એ જ મુખ્ય ઉદ્દેશ્ય અગ્નિશમન શાખાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોને ફાયર સેફ્ટી પ્રત્યે જાગૃત કરવાનો છે. જેથી ઇમરજન્સીના સમયે નાની-મોટી દુર્ઘટના, જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન અટકાવી શકાય.
ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન મોરબીમાં ૦૧ ફાયર કોલ મળ્યો હતો, જેમાં ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત સ્થળ પર પહોંચી કામગીરી પૂર્ણ કરી હતી.ઇમરજન્સી સંપર્ક નંબર:કોઈ પણ પ્રકારની આગ કે દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસનો તાત્કાલિક સંપર્ક કરવા માટે (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર કોલ કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.












