MORBI:બેંક બેલેન્સ નહીં, સાચા દોસ્તો જ જીવનની અસલી મૂડી: મોરબીમાં 32 વર્ષ પછી ભેગા થયા SSC 1994 બેચના ‘બાળપણના દોસ્તો’

MORBI:બેંક બેલેન્સ નહીં, સાચા દોસ્તો જ જીવનની અસલી મૂડી: મોરબીમાં 32 વર્ષ પછી ભેગા થયા SSC 1994 બેચના ‘બાળપણના દોસ્તો’
શ્રી મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, મોરબીના વર્ષ 1994ની SSC બેચના વિદ્યાર્થીઓ પૂરા 32 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનઃ એકમંચ પર એકઠા થતાં ભૂતકાળની સોનેરી યાદો તાજી થઈ ઉઠી હતી. બાળપણના તોફાનો, હોસ્ટેલ જીવનની મસ્તી, નાસ્તો વહેંચીને ખાવાની મજા અને વર્ગખંડના એ કિલકિલાટ સાથે 32 મિત્રોનું આ અવિસ્મરણીય મિલન યોજાયું હતું.
વર્ષ 1994માં ધોરણ-10 પાસ કર્યા બાદ જીવનની વિભિન્ન કેડીઓ પર ફંટાયેલા આ મિત્રો આજે પોતપોતાના ક્ષેત્રમાં સ્થિર થયેલા છે. કોઈ સફળ વેપારી છે, કોઈ શિક્ષક, કોઈ ઉદ્યોગપતિ તો કોઈ સરકારી સેવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. દાયકાઓ પછી જ્યારે સૌ એકબીજાને મળ્યા ત્યારે ચહેરા પર પરિપક્વતા અને સમયની રેખાઓ હોવા છતાં, હોઠ પર એ જ જૂની મસ્તી અને આંખોમાં સ્નેહ જોવા મળ્યો હતો.આ માત્ર એક સ્નેહભોજન સંમેલન ન બની રહેતા ભૂતકાળની યાદોનો પટારો ખોલવાનો અવસર બની રહ્યો હતો. કોઈપણ પ્રકારની સ્પર્ધા કે સરખામણી વગર વિતાવેલા શાળાના દિવસો, પરીક્ષા સમયની મહેનત, શિક્ષકોની વહાલસોઈ ડાંટ તેમજ એમની ખાસ વાતોને યાદ કરીને સૌ કોઈ ભાવવિભોર બની ગયા હતા. ક્ષણભર માટે એવું વાતાવરણ સર્જાયું જાણે શાળાનો બેલ વાગ્યો હોય અને સૌ ફરી પોતાની જૂની બેન્ચ પર ગોઠવાઈ ગયા હોય.
ભૌતિક દોડધામથી ભરેલા વર્તમાન યુગમાં 1994ની આ બેચે સાબિત કરી દીધું કે જીવનની સાચી મૂડી માત્ર બેંક બેલેન્સ નથી પરંતુ સંકટ સમયે સાથ આપતા સાચા મિત્રો છે. સમય અને અંતરની સીમાઓને માત આપીને આ દોસ્તી વધુ મજબૂત બની હોવાનો અહેસાસ સૌને થયો હતો.
અંતમાં, “ફરી વહેલી તકે મળશું”ના દ્રઢ સંકલ્પ અને અનોખા હૃદયસ્પર્શી સંતોષ સાથે સૌ મિત્રોએ એકબીજા પાસેથી વિદાય લીધી હતી.










