હાલોલ ખાતે વરસતા વરસાદમાં દેશભક્તિનો અનેરો માહોલ,ભાજપ દ્વારા ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૮.૨૦૨૬
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપ્રેમની હાકલને સાકાર કરવાના દ્રઢ સંકલ્પ સાથે આજે ગુરુવારના રોજ હાલોલ નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે પણ નગરજનો અને શાળાના બાળકોમાં દેશભક્તિનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ મહા તિરંગા યાત્રાનો પ્રારંભ હાલોલ વી.એમ. કોલેજ ખાતેથી થયો હતો, જે નગરના વિવિધ માર્ગો પર ફરીને મહારાણા પ્રતાપ ચોક ખાતે સંપન્ન થઈ હતી. યાત્રા દરમિયાન સમગ્ર હાલોલ નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને ઉપસ્થિત સૌ કોઈએ તિરંગાને સલામી આપી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો હતો.”તિરંગો એ માત્ર એક ધ્વજ નથી, પરંતુ તે આપણા દેશનું ગૌરવ અને એકતાની આગવી ઓળખ છે.આ તિરંગા યાત્રામાં કલરવ શાળાના આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. દેશભક્તો અને વિવિધ પાત્રોની આકર્ષક વેશભૂષા ધારણ કરીને આવેલા ભૂલકાંઓએ સમગ્ર યાત્રામાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.આ ભવ્ય યાત્રામાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે યાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત, વહીવટી તંત્રમાંથી હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ, મામલતદાર સંદીપ રૈયાણી તેમજ હાલોલ ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત ભાજપાના સ્થાનિક અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.










