જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે નશામુક્ત ભારત અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો
જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ ખાતે નશામુક્ત ભારત અભિયાન અન્વયે કાર્યક્રમ યોજાયો

મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ અને સ્પોર્ટસ, ભારત સરકાર દ્વારા આગામી વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘ડ્રગ-ફ્રી ઇન્ડિયા’ ના વિઝનને સાકાર કરવા માટે રાષ્ટ્રવ્યાપી યુવા આંદોલન ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત-૨૦૪૭’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં ૧૦,૦૦૦ થી વધુ સ્થળોએ ‘માય ભારત’ પ્લેટફોર્મ દ્વારા સંકલિત આ અભિયાનમાં કૉલેજ પણ સહભાગી બની હતી. કાર્યક્રમની શરૂઆત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ‘નશા મુક્ત ભારત અભિયાન’ ના વિધિવત વર્ચ્યુઅલ પ્રારંભ સાથે થઈ હતી, જેને કૉલેજ ખાતે સર્વે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું અને સાંભળ્યું હતું. આ પ્રસંગે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD), દિલ્હી દ્વારા ઓનલાઈન માધ્યમથી નશામુક્તિ વિષય પર આધારિત નુક્કડ નાટકનું પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં કલા અને અભિનયના માધ્યમથી નશાના દુષ્પરિણામો અંગે અસરકારક રીતે જાગૃતિ ફેલાવવામાં આ નાટકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે આ દેશવ્યાપી અભિયાન અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, આધ્યાત્મિક સંસ્થાઓ, નાગરિકો, બહુજન સમાજને એકસાથે જોડીને જાગૃતિ, સ્વયંસેવા અને સામુદાયિક સહભાગિતા દ્વારા યુવાનોને નશામુક્તિની દિશામાં એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવ્યું છે. કૉલેજ પરિવારે આ રાષ્ટ્રીય પહેલમાં સક્રિય સહભાગિતા દર્શાવી, નશામુક્ત અને વિકસિત ભારતના નિર્માણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ‘માય ભારત’ પ્લેટફોર્મ સાથે જોડાયેલા ૨.૩૭ કરોડથી વધુ યુવા સ્વયંસેવકો આ રાષ્ટ્રીય આંદોલનનો સક્રિયપણે ભાગ બન્યા છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફગણે નશામુક્ત જીવનશૈલી અપનાવવાની અને નશાથી સદાય દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી તથા સાથે સાથે ‘માય ભારત’ પોર્ટલ પર ડિજિટલ પ્રતિજ્ઞા પણ નોંધાવી હતી. આ કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્ય શ્રી ડૉ. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ અનેNSS પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. ભરત રાઠોડના સફળ સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા NCC ના શ્રી પ્રા. ભાવિક ચાવડાએ સંભાળી હતી. કાર્યક્રમમાં કૉલેજના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા સ્ટાફમિત્રોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી.શપથ વિધિ પૂર્ણ થયા બાદ આચાર્યશ્રી ડૉ. જે. આર. વાંઝાએ સૌ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો તથા આ પ્રકારના અભિયાનોમાં સતત સહભાગી થવા પ્રેરણા આપી હતી. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




