ANANDANAND CITY / TALUKOGUJARAT

સેન્ટ સિરિલ સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા બાળકો

સેન્ટ સિરિલ સ્કૂલમાં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી, દેશભક્તિના રંગે રંગાયા બાળકો

 

તાહિર મેમણ – આણંદ – 13/08/2026 – આણંદ શહેરના ગુરુદ્વારા રોડ, પાદરીયા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સેન્ટ સિરિલ સ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિથી ભરપૂર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના સમગ્ર પરિસરમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

 

શાળાના સંચાલક જુલિયસ સિરિલ ડાભી અને ડોલી જે. ડાભી તેમજ આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં જુનિયર કે.જી., સિનિયર કે.જી. તથા ધોરણ 1 થી 3ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો માટે આયોજિત “સ્વાતંત્ર્ય સેનાની (Patriotic Leaders)” સ્પર્ધા રહી હતી. જેમાં બાળકોએ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહાન રાષ્ટ્રનાયકો તથા દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા પાત્રોના વેશ ધારણ કર્યા હતા. નાનાં બાળકો વિવિધ દેશભક્તિના પાત્રોના સુંદર પોશાકમાં સજ્જ થઈ કાર્યક્રમમાં પહોંચતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

 

બાળકોએ માત્ર વેશભૂષા જ નહીં પરંતુ પોતાના પાત્રને અનુરૂપ રજૂઆત દ્વારા પણ દેશપ્રેમનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. હાથમાં તિરંગો અને ચહેરા પર ઉત્સાહ સાથે બાળકોએ દેશના મહાન નાયકોને યાદ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રપ્રેમ, દેશની એકતા અને અખંડિતતાના મહત્વ અંગે પણ બાળકોને સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.

 

શાળાના સંચાલક, આચાર્ય તથા શિક્ષકગણે બાળકોમાં નાનપણથી જ દેશપ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, શિસ્ત, એકતા અને દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના વિકસે તે હેતુથી આવા કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું હતું.

 

સ્પર્ધામાં ભાગ લેનારા તમામ બાળકોએ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા રજૂ કરી હતી. બાળકોની આ સુંદર અને દેશભક્તિપૂર્ણ રજૂઆતને શિક્ષકગણ દ્વારા બિરદાવવામાં આવી હતી તેમજ તમામ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે શાળામાં તિરંગા અને દેશભક્તિ આધારિત સજાવટ પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. સેન્ટ સિરિલ સ્કૂલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ બાળકો માટે માત્ર સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રનાયકોના યોગદાનને જાણવાની સાથે દેશ પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવાનો એક સુંદર પ્રયાસ બની રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!