AHAVAGUJARATNAVSARI

નવસારીમાં દેશભક્તિનો રંગ છવાયો, ભવ્ય તિરંગા યાત્રામાં વરસાદ વચ્ચે પણ ઉમટ્યો જનસૈલાબ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ફુવારા સર્કલથી સર્કિટ હાઉસ સુધી ૨ કિ.મી. લાંબી તિરંગા યાત્રા • યુવાનો, મહિલાઓ, વડીલો અને જવાનો દેશભક્તિના રંગે રંગાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નવસારી શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. ધોધમાર વરસાદ વચ્ચે પણ નગરજનોનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

ફુવારા સર્કલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા ગોલવાડ ચોક, લક્ષ્મણ હોલ સર્કલ ટાવર, સયાજી વૈભવ લાઈબ્રેરી રોડ, જુનાથાણા સર્કલ અને લુન્સીકુઈ સર્કલ થઈ સર્કિટ હાઉસ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. આશરે ૨ કિલોમીટર લાંબી યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા.

યાત્રામાં આદિજાતિ વિકાસ, ખાદી અને કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય, વાંસદા પ્રાયોજના વહીવટદાર સ્વપ્નીલ સિસેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજોના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ની ટીમો, એન.સી.સી. કેડેટ્સ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડના જવાનો, મહિલાઓ, વડીલો, રમતવીરો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશભક્તિના ગીતોના તાલે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલન બની ગયું છે. દેશની સરહદો પર ગરમી, વરસાદ અને કપરા સંજોગોમાં અડીખમ રહી દેશની સુરક્ષા કરતા વીર જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી દરેક નાગરિકની ફરજ છે.

તેમણે તિરંગાની પવિત્રતા અને ગૌરવ જાળવવા નાગરિકોને ખાસ અપીલ કરી હતી. ઉત્સાહમાં કે અજાણતાં પણ રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડે અને તેની ગરિમા જળવાઈ રહે તેની સૌએ કાળજી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.

યાત્રાના અંતે સર્કિટ હાઉસ સર્કલ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનો અને યુવાનો દ્વારા તિરંગાનું સન્માન કરી દેશભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

‘વંદે માતરમ’ના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ તિરંગા યાત્રાએ નવસારીમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો શક્તિશાળી સંદેશ આપ્યો હતો.

Back to top button
error: Content is protected !!